Paresh Goswami Weather Forecast For Gujarat: રાજ્યભરમાં હાલ આકરી ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની અને માવઠું થવાની આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનાના અંત સુધી ગરમીનું જોર યથાવત રહેશે, પરંતુ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં (1 થી 5 મે દરમિયાન) રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 30 એપ્રિલ સુધી રાજ્યમાં માવઠાની કોઈ સંભાવના નથી. જોકે, મે મહિનાની પહેલી તારીખથી હવામાન કરવટ બદલશે અને આ ફેરફાર લગભગ પાંચમી તારીખ સુધી જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જશે અને કેટલાક સ્થળોએ ટૂંકા સમયગાળા (અડધાથી એક કલાક) માટે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.
આગાહી મુજબ, માવઠાની અસર મુખ્યત્વે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં પાટણ અને વાવ-થરાદના એક-બે સેન્ટરો, કચ્છના રાપર પંથક અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે.
આ અણધાર્યા વરસાદનું કારણ જણાવતા પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસાને આકર્ષી રહેલી દક્ષિણ ભારતની હવામાન પેટર્ન સંયુક્ત રીતે ગુજરાત નજીક વાતાવરણમાં અસ્થિરતા પેદા કરી રહી છે. આ અસ્થિરતાના કારણે જ મે મહિનાના શરૂઆતના દિવસોમાં રાજ્યના જુદા જુદા ભાગોમાં માવઠું થવાની શક્યતા છે.