Paresh Goswami Weather Forecast For Gujarat: રાજ્યમાં હાલ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનાના અંત સુધી ગરમી યથાવત રહેશે, પરંતુ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. એપ્રિલની 30 તારીખ સુધી તો માવઠાની કોઈ શક્યતા નથી, પરંતુ મે મહિનાની પહેલી તારીખથી હવામાન બદલાશે અને આ બદલાવ લગભગ 5 તારીખ સુધી રહી શકે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલીક જગ્યાએ માવઠાના ઝાપટાં પણ પડી શકે છે.
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠાના ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતના પાટણ અને વાવ-થરાદના એક-બે સેન્ટરમાં અને કચ્છના રાપરમાં પણ ઝાપટાં પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ આ માવઠાની અસર જોવા મળી શકે છે. જે વિસ્તારોમાં વરસાદ પડશે તે ટૂંકા સમય માટે, એટલે કે અડધા કલાકથી એક કલાક સુધીનો હોઈ શકે છે અને આ દરમિયાન થંડરસ્ટોર્મ એક્ટિવિટી (ગાજવીજ સાથે વરસાદ) પણ થઈ શકે છે.
પરેશ ગોસ્વામીએ આ પલટાનું કારણ જણાવતા કહ્યું કે, ઉત્તર ભારત ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને ચોમાસાની તૈયારીના ભાગરૂપે દક્ષિણ ભારતનું હવામાન પણ ચોમાસાને આકર્ષી રહ્યું છે. આ પરિબળોને લીધે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા આવશે અને આ અસ્થિરતાના કારણે માવઠું થવાની શક્યતા છે. આ અસ્થિરતા ગુજરાતની નજીક આવવાથી તેની અસર રાજ્યના હવામાન પર જોવા મળશે.