Paresh Goswami Agahi: રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી ચોમાસા અંગે મહત્વની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ શકે છે.
પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનાના વરસાદ અંગે વાત કરતાં જણાવ્યું કે, ઓગસ્ટ મહિનામાં મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે. જો જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ નહીં થાય તો ઓગસ્ટમાં તેની શક્યતા રહેલી છે. ઓગસ્ટ મહિનાના શરૂઆતના અથવા છેલ્લા અઠવાડિયામાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મુંબઈ તરફના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ઓગસ્ટ મહિનો સરેરાશ રહેશે. છેલ્લા દસ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો ઓગસ્ટ મહિનામાં વરસાદનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે અને વર્ષ 2025માં પણ તેવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ થશે, પરંતુ વચ્ચે 15થી 20 દિવસનો ગેપ આવી શકે છે, જેના કારણે વરસાદ ખેંચાઈ શકે છે. આવી સ્થિતિમાં ખેડૂત ભાઈઓએ ખરીફ પાકને પિયત આપવાનું શરૂ કરવું પડી શકે છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ઓગસ્ટ મહિનામાં અનિયમિત વરસાદની અસર રાજ્યભરમાં જોવા મળી શકે છે. જો કે, 2025નું ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા છે. જૂન-જુલાઈમાં વાવણી થયા બાદ જુલાઈમાં પણ સારો વરસાદ થશે અને જો ઓગસ્ટમાં વરસાદ ખેંચાય તો પણ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં સારા વરસાદની સંભાવના છે, જે ખરીફ પાક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.