Paresh Goswami Agahi: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ ફરી એકવાર જોવા મળી રહ્યો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાના આગમન અને આ વર્ષે થનારા વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે. તેમણે ખેડૂતો માટે આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેની વિગતવાર માહિતી આપી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, વર્ષ 2025નું ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે. સામાન્ય ચોમાસું એટલે કે 98% થી 106% સુધીનો વરસાદ જોવા મળી શકે છે, જે ખેતી માટે અનુકૂળ ગણાય છે. તેમણે વર્તમાન ઉનાળાને આકરો ગણાવ્યો છે અને આગામી સમયમાં પણ ગરમીનું જોર યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
પ્રી-મોન્સુન એક્ટિવિટી અંગે વાત કરતા ગોસ્વામીએ જણાવ્યું કે, મે મહિનામાં બે થી ત્રણ વખત પ્રી-મોન્સુન એક્ટિવિટી જોવા મળી શકે છે. એપ્રિલ મહિનામાં હાલ કોઈ પ્રી-મોન્સુન એક્ટિવિટીની શક્યતા નથી, પરંતુ મે મહિનાના 14 થી 18 તારીખ વચ્ચે અને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં પ્રબળ શક્યતાઓ છે. જૂન મહિનાના બીજા અઠવાડિયાથી છૂટાછવાયા પ્રી-મોન્સુન ઝાપટાં પડી શકે છે.
ચોમાસાના આગમન અંગે સૌથી મહત્વની આગાહી કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતમાં 15 જૂને ચોમાસું પ્રવેશે તેવી શક્યતાઓ દેખાતી નથી. આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ 22 થી 28 જૂન વચ્ચે થવાની સંભાવના છે, એટલે કે ચોમાસું લગભગ સાતથી દસ દિવસ મોડું આવી શકે છે.
જો કે, તેમણે સ્પષ્ટતા કરી કે ચોમાસું મોડું થશે પરંતુ નબળું નહીં રહે. જૂન મહિનાના અંતિમ દિવસોમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાવણીલાયક વરસાદ થઈ શકે છે. કચ્છના અમુક વિસ્તારોમાં પણ જૂનમાં વાવણી થઈ શકે છે.
ઉત્તર ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, મધ્ય ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોમાં ચોમાસાનો પ્રવેશ 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે થવાની સંભાવના છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના ભાલ સુધીના વિસ્તારમાં જૂન મહિનામાં વાવણી થઈ જાય તો તેને મોડું ગણાય નહીં અને સમગ્ર ગુજરાતમાં જુલાઈના પહેલા અઠવાડિયામાં વાવણી થાય તો તે પણ સમયસર ગણાય. તેમણે આશા વ્યક્ત કરી કે આ વર્ષે સમયસર વાવણી થઈ જશે અને એકંદરે ચોમાસાની શરૂઆત મધ્યમ રહેશે, પરંતુ આગળ જતા ચોમાસું સારું રહેશે.