પરેશ ગોસ્વામીની આગાહીઃ સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદની શક્યતા, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે અતિવૃષ્ટિ

Paresh Goswami Agahi: રાજ્યમાં હાલ આકરી ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે આજે હીટવેવની આગાહી પણ કરી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્વની આગાહી કરી છે.

Follow Us:

Paresh Goswami Agahi: રાજ્યમાં હાલ આકરી ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે આજે હીટવેવની આગાહી પણ કરી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસાની સિઝનનો સૌથી વધુ વરસાદ સપ્ટેમ્બર મહિનામાં પડવાની સંભાવના છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિવૃષ્ટિ પણ થઈ શકે છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ચોમાસામાં સપ્ટેમ્બર મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. અંગ્રેજી કેલેન્ડર મુજબ સપ્ટેમ્બર અને ગુજરાતી મહિના પ્રમાણે ભાદરવો મહિનો વરસાદ માટે ખાસ રહે છે. ઘણીવાર આપણે જોયું છે કે ભાદરવામાં ભારે વરસાદ પડે છે. સપ્ટેમ્બરમાં વરસાદ થવાથી શિયાળુ અને ઉનાળુ પાક માટે પાણીની વ્યવસ્થા થઈ શકે છે. છેલ્લા પાંચથી સાત વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, વેધર સાયકલમાં આવેલા બદલાવને કારણે પાછોતરો વરસાદ વધુ જોવા મળી રહ્યો છે.

પરેશ ગોસ્વામીએ વધુ જણાવ્યું કે, આ વર્ષે પણ દર વર્ષની જેમ સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારો વરસાદ થવાની આગાહી છે. એટલે કે, 2025ના ચોમાસામાં ભાદરવો મહિનો ભરપૂર વરસાદવાળો રહેશે અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદ પડશે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં જે સરેરાશ વરસાદ પડે છે, તેના કરતાં પણ સપ્ટેમ્બરમાં વધુ વરસાદ પડી શકે છે. જુલાઈ અને ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા તો છે જ, પરંતુ સપ્ટેમ્બર મહિનાનો સરેરાશ વરસાદનો આંકડો 100% થી પણ વધુ રહી શકે છે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનો 30 દિવસનો હોય છે. આ 30 દિવસોમાંથી આઠથી નવ દિવસ વરસાદ ન પણ પડે, પરંતુ બાકીના 20 થી 21 દિવસ સુધી વરસાદ જોવા મળી શકે છે. એકંદરે, સપ્ટેમ્બર મહિના દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેશે અને સારો વરસાદ થશે. ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં પડનારા વરસાદમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથેની થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે. જેના કારણે શિયાળુ અને ઉનાળુ પાક માટે પાણીની સારી એવી વ્યવસ્થા થઈ જશે.

તેમણે એવી પણ શક્યતા વ્યક્ત કરી હતી કે, સપ્ટેમ્બર મહિનામાં સૌરાષ્ટ્ર અથવા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. એટલે કે ભાદરવા મહિના દરમિયાન એકાદ અતિવૃષ્ટિનો રાઉન્ડ પણ આવી શકે છે. આમ, સપ્ટેમ્બર મહિનો સંપૂર્ણપણે વરસાદથી ભરેલો રહેશે. જો કે, મહત્વની વાત એ છે કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ નહીં થાય.