India Weather Today: દેશમાં ફરી એકવાર હવામાનમાં પલટો જોવા મળશે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 7 દિવસ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનની સંભાવના છે, તો બીજી તરફ ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પાર કરી શકે છે અને હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.
IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાશ્મીર ખીણ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે, જ્યારે અન્ય સાયક્લોનિક પરિભ્રમણ મધ્યપ્રદેશ અને ઉત્તર-પૂર્વ ભારતમાં જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વાદળો છવાશે.
આ વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનની આગાહી:
- ઉત્તરપૂર્વ અને નજીકના પૂર્વ ભારતમાં આગામી 7 દિવસ દરમિયાન 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
- મધ્ય ભારત અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં 13-14 એપ્રિલે વીજળી અને ભારે પવન સાથે વરસાદ પડશે.
- 14 એપ્રિલે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે 14-15 એપ્રિલે ઓડિશામાં ભારે વરસાદની શક્યતા છે.
- 15 એપ્રિલે ઝારખંડમાં કરા પડવાની સંભાવના છે.
- કેરળ અને માહેમાં આગામી 5 દિવસ દરમિયાન ભારે ગર્જના અને વીજળી સાથે વાદળો છવાશે અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
- આગામી 3 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, તેલંગાણા, કર્ણાટક અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાનમાં વધારો અને હીટવેવ એલર્ટ:
IMDએ જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ આગામી 6 દિવસમાં 4 થી 6 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે.
પશ્ચિમ રાજસ્થાનમાં 14 થી 18 એપ્રિલ દરમિયાન હીટવેવની સ્થિતિ રહેશે. આ ઉપરાંત, દિલ્હી, પંજાબ, હરિયાણા, પૂર્વી રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 16 થી 18 એપ્રિલ દરમિયાન ભારે ગરમીનો અનુભવ થશે.
જો કે, તોફાન અને વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, ઝારખંડ અને પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં મહત્તમ તાપમાનમાં 4 થી 7 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે.
આમ, દેશમાં આગામી દિવસોમાં હવામાનમાં ભારે ફેરફાર જોવા મળશે, જેમાં એક તરફ વરસાદ અને ઠંડક રહેશે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં તીવ્ર ગરમી અને હીટવેવની સ્થિતિ રહેશે. લોકોને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.