Gujarat Weather Today, આજનું હવામાન: ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજ્યમાં ગરમીનું તાપમાન યથાવત રહેશે, કારણ કે, ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની આગાહી કરી છે. આ સાથે જ, આગામી પાંચ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તાપમાનની વાત કરીએ તો, અમદાવાદ, વડોદરા, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, કચ્છ, ખેડા, સુરેન્દ્રનગર, મહીસાગર, મહેસાણા, પાટણ અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જ્યારે નર્મદા, બનાસકાંઠા, મોરબી, ભરૂચ અને દાહોદ જેવા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત, જૂનાગઢ અને તાપી સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.