Ambalal Patel Agahi, Gujarat Weather: રાજ્યમાં હાલ અનુભવાઈ રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે વધુ ગરમી અને વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનાના અંત સુધીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, 26 એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું જોર વધશે. 30 એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 44 થી 45 ડિગ્રી, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 43 થી 44 ડિગ્રી, કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં 42 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આસપાસ 38 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે.
અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું કે, એપ્રિલના અંતમાં રાજ્યમાં ધૂળની ડમરીઓ ઉડી શકે છે અને કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. એટલું જ નહીં, 10 મેથી પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. 10 મે થી 15 જૂન દરમિયાન બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાઈ શકે છે. આ વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને વરસાદ પણ પડી શકે છે. આ ઘટનાક્રમ બાદ રાજ્યમાં ચોમાસા પહેલાની પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જે વાતાવરણમાં પલટો લાવશે.