Phool Kajali Vrat 2025: ગુજરાતમાં શ્રાવણ માસ દરમિયાન પરિણીત અને અપરિણીત મહિલાઓ દ્વારા અત્યંત શ્રદ્ધાપૂર્વક ફૂલ કાજળી વ્રત ઉજવવામાં આવે છે. પરંપરાગત હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ, આ વ્રત શ્રાવણ સુદ 3ના દિવસે મનાવવામાં આવે છે અને વર્ષ 2025 માં 27 જુલાઈના રોજ આ વ્રત આવશે.
ફૂલ કાજળી વ્રતનું મહત્વ અને લાભ
આ વ્રતનું મુખ્ય મહત્વ સ્ત્રીઓની તેમના પરિવાર પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણમાં રહેલું છે. પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે આ વ્રત રાખે છે, જ્યારે અપરિણીત યુવતીઓ આદર્શ જીવનસાથી મેળવવાની કામના સાથે આ વ્રત કરે છે. આ વ્રત મુખ્યત્વે ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત છે, જેઓ આદર્શ દામ્પત્ય જીવનના પ્રતીક મનાય છે.
વ્રતની ઉજવણી કેવી રીતે થાય છે?
ફૂલ કાજળી વ્રત પાંચ વર્ષ સુધી કરવાનું વિધાન છે. આ વ્રત આખો દિવસ ચાલે છે, જેમાં વ્રતધારી સ્ત્રીઓ કાકડી, દૂધ અને દૂધની બનાવટો સિવાય અન્ય કોઈ આહાર લેતી નથી.
વ્રતના દિવસે, ફૂલ કાજળી વ્રત કથા સાંભળવાનું વિશેષ મહત્વ છે. સ્ત્રીઓ અને યુવતીઓ ભગવાન શિવ અને દેવી પાર્વતીને સમર્પિત ખાસ પ્રાર્થનાઓ કરે છે. આ દિવસે ભક્તો દ્વારા શિવપુરાણનું પઠન કરવામાં આવે છે અથવા ભગવાન શિવ અને દેવી પાર્વતીને લગતી ધાર્મિક કથાઓ સાંભળવામાં કે વાંચવામાં આવે છે.