Guru Purnima 2025 Date: જ્ઞાન અને શ્રદ્ધાના પવિત્ર પર્વ સમા ગુરુ પૂર્ણિમાની ઉજવણી દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે. આ દિવસને મહર્ષિ વેદ વ્યાસજીની જન્મજયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને વ્યાસ પૂર્ણિમા અથવા વેદ વ્યાસ જયંતિ તરીકે પણ શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા પર્વ 10 જુલાઈ, 2025 ના રોજ ઉજવાશે.
ગુરુ પૂર્ણિમા 2025: તિથિ અને શુભ મુહૂર્ત
વૈદિક કેલેન્ડર અનુસાર, અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિ 10 જુલાઈ, 2025 ના રોજ રાત્રે 01:37 વાગ્યે શરૂ થશે અને 11 જુલાઈ, 2025 ના રોજ રાત્રે 02:07 વાગ્યે સમાપ્ત થશે. આ તિથિના આધારે, ગુરુ પૂર્ણિમાનો તહેવાર 10 જુલાઈ, 2025 ના રોજ ઉજવવામાં આવશે.
ગુરુ પૂર્ણિમા શુભ મુહૂર્ત 2025 (Guru Purnima Puja Muhurat 2025)
- બ્રહ્મ મુહૂર્ત: સવારે 4:10 થી 4:50 વાગ્યે
- અભિજીત મુહૂર્ત: સવારે 11:59 થી બપોરે 12:54 વાગ્યે
- વિજય મુહૂર્ત: બપોરે 12:45 થી 3:40 વાગ્યે
- ગોધુલી મુહૂર્ત: સાંજે 7:21 થી 7:41 વાગ્યે
ગુરુ પૂર્ણિમાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ
હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાને અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક પર્વ તરીકે માનવામાં આવે છે. આ વિશેષ દિવસે શિષ્ય પોતાના ગુરુઓ પ્રત્યે શ્રદ્ધા, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. જીવનમાં મળેલા માર્ગદર્શન અને જ્ઞાન માટે ગુરુઓનો આભાર માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ પવિત્ર તહેવાર મહર્ષિ વેદ વ્યાસજીના જન્મ દિવસ રૂપે ઉજવાય છે. મહાન ઋષિ વ્યાસજીએ મહાભારત, શ્રીમદ્ ભાગવત, અઢાર પુરાણો અને બ્રહ્મસૂત્ર સહિત અનેક ગ્રંથોની રચના કરી હતી, જેના દ્વારા તેમણે સનાતન ધર્મને સમૃદ્ધ વારસો આપ્યો હતો. તેથી તેમને હિંદુ ધર્મના મહાન ગુરુ માનવામાં આવે છે.
ગુરુ પૂર્ણિમા ગુરુ-શિષ્ય પરંપરાનું ઉજવણીનું દિન છે. આ દિવસે લોકો તેમના આધ્યાત્મિક, શૈક્ષણિક કે જીવન માર્ગદર્શન આપનાર ગુરુઓનું સન્માન કરે છે. તેમની પૂજા-અર્ચના કરી આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ પ્રસંગે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું, દાન-પુણ્ય કરવાનું અને ગુરુના ચરણોમાં અર્પણ કરવાનું વિશેષ મહત્વ ધરાવે છે. ગુરુ પૂર્ણિમા માત્ર ધાર્મિક ઊત્સવ નહીં, પરંતુ તે જ્ઞાન, વિવેક અને અધ્યાત્મના પ્રકાશનું પર્વ છે, જે જીવનના અંધકારને દૂર કરી યોગ્ય માર્ગ તરફ દોરે છે.