Operation Sindoor: જમ્મૂ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો આકરો જવાબ આપતા ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર “ઓપરેશન સિંદૂર” ચલાવ્યું છે. ભારતીય વાયુસેના, ભારતીય સેના અને ભારતીય નૌકાદળ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં એર-ટુ-ગ્રાઉન્ડ મિસાઇલોનો ઉપયોગ કરીને આતંકવાદીઓના અડ્ડાઓને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે.

ભારતીય સેનાએ મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે આ હવાઈ હુમલા કર્યા હતા, જેની પુષ્ટિ ભારતીય દળોએ 1.45 વાગ્યે કરી હતી. PIB દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આ હવાઈ હુમલો કર્યો હતો. આ કાર્યવાહીમાં માત્ર આતંકવાદીઓના સ્થળોને જ નિશાન બનાવવામાં આવ્યા હતા અને કોઈ પણ લશ્કરી ઠેકાણાને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી.

પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના ડિરેક્ટર લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ દાવો કર્યો હતો કે, ભારતે 24 મિસાઈલો છોડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર ભારતીય સેનાના હવાઈ હુમલામાં 80 થી 90 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.

સમાચાર એજન્સી ANIએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર રાત “ઓપરેશન સિંદૂર” પર નજર રાખી રહ્યા હતા.

અહેવાલો અનુસાર, ભારતીય વાયુસેનાના અત્યાધુનિક ફાઇટર જેટ્સ જેમ કે મિરાજ-2000 અને સુખોઈ-30 MKI એ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. આ વિસ્તારો લાંબા સમયથી જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા ખતરનાક આતંકવાદી સંગઠનોના ગઢ માનવામાં આવે છે. હવે સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે આ હવાઈ હુમલામાં આ આતંકવાદી ઠેકાણાઓ કઈ રીતે ખંડેરમાં ફેરવાઈ ગયા છે.

હવાઈ હુમલા બાદ ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક પાકિસ્તાનની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી પછી, પાકિસ્તાની મીડિયા અને સોશિયલ મીડિયા પર એવા ખોટા સમાચારો પણ ફેલાવવામાં આવ્યા હતા કે પાકિસ્તાની સેનાએ શ્રીનગર એરબેઝ પર હુમલો કર્યો છે અને બે ભારતીય વિમાનો તેમજ ભારતીય બ્રિગેડ હેડક્વાર્ટરનો નાશ કર્યો છે. જો કે, PIBએ આ ખોટા સમાચારોની હકીકત તપાસીને સત્ય જાહેર કર્યું છે.

હવાઈ હુમલા બાદ પાકિસ્તાન એલર્ટ મોડ પર આવી ગયું છે, જ્યારે ભારતે પણ હરિયાણા અને પંજાબના તમામ એરબેઝ પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. પાકિસ્તાનની સરહદે આવેલા પંજાબના તમામ સરહદી જિલ્લાઓમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીને પઠાણકોટ જિલ્લા વહીવટીતંત્ર પણ એલર્ટ પર છે અને ડેપ્યુટી કમિશનરે આગામી 72 કલાક માટે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલા આ હવાઈ હુમલા બાદની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જમ્મુ, સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંચમાં આજે તમામ શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. જ્યારે પઠાણકોટમાં તમામ શાળાઓ 72 કલાક માટે બંધ રહેશે.

ભારતીય સેના આજે સવારે 10 વાગ્યે “ઓપરેશન સિંદૂર” અંગેની નવી માહિતી મીડિયાને આપશે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા 7 મેના રોજ બપોરે 12 વાગ્યા સુધી જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભૂજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ જતી અને આવતી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યવાહીને “ઓપરેશન સિંદૂર” નામ આપ્યું છે. પહેલગામના હુમલામાં આતંકવાદીઓએ ઘણી મહિલાઓના સિંદૂર ભૂંસી નાખ્યા હતા અને ભારતે તેનો બદલો લીધો છે.