Vice President: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે (Jagdeep Dhankhar) આજે તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધિત પત્રમાં સ્વાસ્થ્યના કારણો અને તબીબી સલાહનું પાલન કરીને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.
રાષ્ટ્રપતિ મુર્મુને સુપરત કરાયેલા પોતાના રાજીનામા પત્રમાં, જગદીપ ધનખરે ઉલ્લેખ કર્યો કે, તેઓ બંધારણના અનુચ્છેદ 67 (a) હેઠળ ભારતના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો આ નિર્ણય સંપૂર્ણપણે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને ચિકિત્સા નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી સલાહને અનુસરવાના ભાગરૂપે છે.
Vice President Jagdeep Dhankhar resigns from his post "to prioritise health care and abide by medical advice." pic.twitter.com/IoHiN7VGAR
— ANI (@ANI) July 21, 2025
જણાવી દઈએ કે, જગદીપ ધનખરે 11 ઓગસ્ટ, 2022 ના રોજ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે રાજ્યસભાના સભાપતિ તરીકે પણ સેવા આપી હતી. તેમના રાજીનામા બાદ હવે ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી પડ્યું છે, અને નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.
સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જગદીપ ધનખર છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને તબીબો દ્વારા તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. આ જ કારણોસર તેમણે આ મહત્વપૂર્ણ પદ છોડવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.