Gujarat Places To Visit In Monsoon: ગુજરાતમાં ચોમાસામાં હરિયાળી અને પ્રકૃતિનો આનંદ માણવા માટેના શ્રેષ્ઠ સ્થળો

આ લેખમાં, અમે તમને ગુજરાતના એવા કેટલાક શ્રેષ્ઠ સ્થળો વિશે જણાવીશું, જ્યાં ચોમાસામાં તમે પ્રકૃતિના અદ્ભુત સૌંદર્યનો ભરપૂર આનંદ માણી શકો છો.

Follow Us:

Places To Visit in Gujarat During Monsoon: ગુજરાત ઐતિહાસિક વારસો અને અદભૂત કુદરતી સૌંદર્યનો સમન્વય ધરાવે છે. ચોમાસાની ઋતુમાં ગુજરાતના કેટલાક સ્થળોનો નજારો મનમોહક બની જાય છે, જ્યાં ઝરમર વરસાદ અને ચારેબાજુ છવાયેલી લીલોતરી પ્રકૃતિપ્રેમીઓને આકર્ષે છે. આ મોસમમાં દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ ગુજરાતની આ મનમોહક સુંદરતાનો અનુભવ કરવા આવે છે. આ લેખમાં, અમે તમને ગુજરાતના એવા કેટલાક શ્રેષ્ઠ સ્થળો વિશે જણાવીશું, જ્યાં ચોમાસામાં તમે પ્રકૃતિના અદ્ભુત સૌંદર્યનો ભરપૂર આનંદ માણી શકો છો.

ચોમાસા દરમિયાન ગુજરાતના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળો

સાપુતારા (Saputara)

ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા રાજ્યનું એકમાત્ર હિલ સ્ટેશન છે અને તે પ્રકૃતિના ખોળામાં વસેલું છે. ચોમાસામાં જ્યારે ઝરમર વરસાદ પડે છે, ત્યારે સાપુતારાની સુંદરતા ચરમસીમાએ પહોંચે છે. અહીંના ઊંચા પર્વતો, ઘાસના લીલાછમ મેદાનો, ગાઢ જંગલો અને શાંત તળાવો તેમજ વહેતા ધોધ તેની સુંદરતામાં અનેકગણો વધારો કરે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે સાપુતારા ખરેખર સ્વર્ગ સમાન છે.

ગિરનાર પર્વત (Girnar Hills)

જૂનાગઢ જિલ્લામાં સ્થિત ગિરનાર પર્વત તેની સુંદર અને મનમોહક ટેકરીઓ માટે જાણીતો છે. ગુજરાતની સૌથી ઊંચી ટેકરીઓમાં ગણાતા ગિરનારની આ પહાડીઓ તેની પ્રાકૃતિક સુંદરતા ઉપરાંત ધાર્મિક મહત્વને કારણે પણ પ્રવાસીઓમાં લોકપ્રિય છે. ગિરનારની પ્રાકૃતિક સુંદરતા પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે, અને તેના સર્વોચ્ચ શિખર પરથી આજુબાજુનો અદ્ભુત નજારો જોઈ શકાય છે. ચોમાસામાં જ્યારે પહાડો પરથી વરસાદી પાણીના ઝરણાં વહે છે, ત્યારે અહીંનો નજારો ખરેખર અદ્ભુત લાગે છે.

દીવ (Diu)

જો તમે ચોમાસા દરમિયાન ગુજરાતમાં દરિયાકિનારે ફરવાની ઈચ્છા ધરાવો છો, તો દીવ એક ઉત્તમ વિકલ્પ છે. દીવને ગુજરાતનું શ્રેષ્ઠ મોનસૂન ડેસ્ટિનેશન ગણી શકાય. ચોમાસાના સમયે અહીંના દરિયાકિનારાની સુંદરતા અને શીતળ હવા પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. દીવ કિલ્લાની ઊંચાઈ પરથી અરબી સમુદ્રની સુંદર લહેરોનો નજારો ખૂબ જ આકર્ષક લાગે છે. પ્રવાસીઓ દીવથી નજીકના સોમનાથ અને દ્વારકા જેવા ભવ્ય અને મનોહર સ્થળોની મુલાકાત પણ લઈ શકે છે.

વિલ્સન હિલ્સ (Wilson Hills)

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં, દરિયાની સપાટીથી લગભગ 800 મીટરની ઊંચાઈ પર સ્થિત વિલ્સન હિલ્સ ચોમાસા સહિત દરેક ઋતુમાં ફરવા માટેનું એક શ્રેષ્ઠ સ્થળ છે. વિલ્સન હિલ્સ તેની સુંદરતાની સાથે મનોહર દ્રશ્યો માટે પણ પ્રખ્યાત છે. અહીંની ઊંચાઈ પરથી અરબી સમુદ્રની ઝલક પણ જોઈ શકાય છે, જે એક અનોખો અનુભવ આપે છે. ઘણા પ્રવાસીઓ ચોમાસામાં અહીં મોનસૂન ટ્રેકિંગનો આનંદ માણવા આવે છે.