GPSC Recruitment: GPSC ભરતીમાં ઇન્ટરવ્યૂનું ‘ભારણ’ ઘટાડો, કોંગ્રેસની સરકાર સામે જોરદાર માંગ

GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતીમાં ઇન્ટરવ્યૂના વધારે ભારણને લઈને રાજકીય ગરમાવો, કોંગ્રેસે ઇન્ટરવ્યૂ વજન 50%થી ઘટાડી 10-15% કરવા માંગ કરી.

Published By:

Updated:

Follow Us:

GPSC Assistant Professor Recruitment

GPSC Bharti 2025: ગુજરાતમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાતી આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્ટરવ્યૂના વધુ પડતા ભારણને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે આ ભરતીમાં ઇન્ટરવ્યૂનું 50 ટકા ભારણ ઘટાડીને દેશના અન્ય રાજ્યોની જેમ 10 થી 15 ટકા કરવાની જોરદાર માંગણી કરી છે. પાર્ટીનું કહેવું છે કે આ ઉચ્ચ ભારણને કારણે રાજ્યના યુવાનોને સરકારી નોકરીઓમાં અન્યાય થઈ રહ્યો છે.

કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, GPSC દ્વારા લેવાતી વર્ગ 1 અને 2ની પરીક્ષાઓમાં પણ ઇન્ટરવ્યૂનું 50 ટકા ભારણ છે, જે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું વધારે છે. તેમના મતે, આના કારણે ગુજરાતના લાયક યુવાનો સરકારી ભરતીમાં પાછળ રહી જાય છે.

આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં પણ લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બંને માટે 50-50 ટકા ભારણ રાખવામાં આવ્યો છે. કોંગ્રેસનું કહેવું છે કે અગાઉની પરીક્ષાઓના પરિણામોનો અભ્યાસ કરવાથી સ્પષ્ટ થાય છે કે આનાથી રાજ્યના યુવા ઉમેદવારોને નુકસાન થઈ રહ્યું છે. કારણ કે, ગુજરાતને છોડીને દેશના અન્ય રાજ્યોમાં પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં ઇન્ટરવ્યૂનું ભારણ માત્ર 10 થી 15 ટકા જ હોય છે.

ભરતી કેલેન્ડર મુજબ, આ વર્ષે રાજ્યની સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજોમાં 426 આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી થવાની છે. જો કે, છેલ્લા પાંચ વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસરની કોઈ નવી ભરતી કરવામાં આવી નથી અને મોટા ભાગની સરકારી કોલેજો અધ્યાપકો વિના ચાલી રહી છે, રાજ્યમાં લગભગ 24 ટકા પ્રોફેસરોની જગ્યા ખાલી છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ ભરતીમાં ઇન્ટરવ્યૂનું 50 ટકા ભારણ તાત્કાલિક ઘટાડીને 10 થી 13 ટકા કરવામાં આવે.

સરકારી ભરતીમાં ગુજરાતમાં ઇન્ટરવ્યૂનું ભારણ સૌથી વધુ હોવાનું જણાવતા કોંગ્રેસે અન્ય રાજ્યોના આંકડા પણ રજૂ કર્યા છે. ઉત્તર પ્રદેશમાં 13.04 ટકા, મધ્ય પ્રદેશમાં 11.11 ટકા, રાજસ્થાનમાં 10.71 ટકા, હરિયાણામાં 12.05 ટકા, છત્તીસગઢમાં 9.09 ટકા અને તમિલનાડુમાં 13.04 ટકા ઇન્ટરવ્યૂનું ભારણ છે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ હરિયાણાના એક કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પણ પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે ઇન્ટરવ્યૂમાં વધુ ભારણને કારણે સમગ્ર પસંદગી પ્રક્રિયા સામે સવાલ ઊભા થાય છે. સુપ્રીમ કોર્ટે અન્ય રાજ્યોને પણ આ અન્યાયી નિયમોમાં સુધારો કરીને પારદર્શક પદ્ધતિ અપનાવવા જણાવ્યું છે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi