Kerala Man Wins Rs 8.5 Crore Jackpot In Dubai: કિસ્મત ક્યારે પલટી જાય તે કહેવું મુશ્કેલ છે અને આવું જ કંઈક કેરળના એક સામાન્ય વ્યક્તિ સાથે થયું છે. 52 વર્ષીય વેણુગોપાલ મુલ્લચેરી, જે યુએઈના અજમાનમાં આઈટી સપોર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કરે છે, તેઓ દુબઈ ડ્યુટી ફ્રીના મિલેનિયમ મિલિયનેયર ડ્રોમાં 1 મિલિયન ડોલર એટલે કે આશરે 8.5 કરોડ રૂપિયા જીતીને રાતોરાત કરોડપતિ બની ગયા છે.
વેણુગોપાલ છેલ્લા 15 વર્ષથી પોતાની કિસ્મત અજમાવી રહ્યા હતા અને આખરે તેમની મહેનત ફળી છે. પોતાની આ અણધારી જીત વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, આ વિજય તેમના માટે કોઈ ભેટથી ઓછી નથી. આ તેમના લાંબા સમયના સંઘર્ષનો અંત છે અને એક નવી શરૂઆત છે, જે આશા અને ખુશીઓથી ભરેલી હશે.
તેમણે જણાવ્યું કે, તાજેતરમાં ભારતની મુલાકાત પૂરી કરીને પાછા ફરતી વખતે, 23 એપ્રિલે તેમણે દુબઈ એરપોર્ટ પરથી આ વિજેતા ટિકિટ ખરીદી હતી. તેમને કલ્પના પણ નહોતી કે આ ટિકિટ તેમની જિંદગી બદલી નાખશે.
વેણુગોપાલે વધુમાં જણાવ્યું કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી મોટા દેવામાં ડૂબેલા હતા. એક નજીકના વ્યક્તિએ વિશ્વાસઘાત કરતાં તેમનું દેવું વધી ગયું હતું. તેમણે તાજેતરમાં જ એક ઘર બનાવ્યું હતું અને તેના કારણે આર્થિક તંગી ખૂબ જ વધી ગઈ હતી. આવી કપરી પરિસ્થિતિમાં આ જેકપોટ તેમના માટે સાચા તારણહારની જેમ આવ્યો છે.
બે બાળકોના પિતા વેણુગોપાલે પોતાની ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતાં જણાવ્યું કે તેઓ સૌથી પહેલા પોતાના માથે રહેલા દેવાની ચૂકવણી કરશે અને ત્યારબાદ પોતાના પરિવાર સાથે લાંબો સમય રજાઓ માણશે. તેમણે હજી સુધી કોઈ ચોક્કસ યોજના બનાવી નથી, પરંતુ તેઓ તેમના પ્રિયજનો સાથે થોડો આરામનો સમય પસાર કરવા ઉત્સુક છે.
તેમણે એમ પણ કહ્યું કે ત્યારબાદ તેઓ દુબઈ પાછા ફરશે અને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે અને તેમના પરિવારને પણ અહીં બોલાવવા માંગે છે. યુએઈ તેમના હૃદયની ખૂબ જ નજીક છે અને તેઓ હવે બીજી કોઈ જગ્યાએ રહેવાની કલ્પના પણ કરી શકતા નથી.
વેણુગોપાલની આ પ્રેરણાદાયક કહાણી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ભારત અને ખાડી દેશોમાં ઘણા લોકો તેમના સંઘર્ષ અને અંતિમ વિજયમાંથી આશા અને હિંમત મેળવી રહ્યા છે. તેમની આ સફળતા સાબિત કરે છે કે ક્યારેક કિસ્મતનો પલટો ગમે ત્યારે આવી શકે છે.