India France Rafale Deal: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા નિર્દય આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, સોમવારે ભારત અને ફ્રાન્સે 63,000 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. આ સોદા હેઠળ ભારતને 26 રાફેલ મરીન ફાઈટર જેટ મળશે. આથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે, કારણ કે ભારતીય નૌકાદળ રાફેલ વિમાનો દ્વારા હુમલા કરવા સક્ષમ બનશે.
ભારતને કેટલા રાફેલ મળશે?
6.6 અબજ યુરો (63,887 કરોડ રૂપિયા)ના આ સોદામાં ભારતને 22 સિંગલ-સીટ રાફેલ-એમ અને 4 ટ્વીન-સીટ જેટ સહિત કુલ 26 વિમાનો મળશે. આ રકમમાં શસ્ત્રો, સિમ્યુલેટર, ક્રૂ તાલીમ, વિમાન જાળવણી સહાય અને પાંચ વર્ષ માટે પ્રદર્શન-આધારિત લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાના હાલના 36 રાફેલ વિમાનોના સ્પેરપાર્ટ્સ અને સાધનો પણ આ સોદામાં સામેલ છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી સંરક્ષણ સોદો છે.
સોદો ક્યારે થયો?
ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ 27 એપ્રિલે ભારત આવવાના હતા, પરંતુ આતંકી હુમલાને કારણે તેમણે મુલાકાત મોકૂફ રાખી હતી. તેથી 28 એપ્રિલ, સોમવારે નવી દિલ્હીમાં બંને દેશોના સુરક્ષા અધિકારીઓએ સોદા પર હસ્તાક્ષર કર્યા. સંરક્ષણ મંત્રીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહ્યા હતા.
ભારતને રાફેલ ક્યારે મળશે?
રાફેલ જેવા અદ્યતન વિમાનોના નિર્માણ અને પરીક્ષણમાં સમય લાગે છે, તેથી ભારતે ડિલિવરી માટે ઓછામાં ઓછા ચાર વર્ષ રાહ જોવી પડશે. પ્રથમ બેચ 2029ના અંત સુધીમાં મળશે, જ્યારે સમગ્ર ઓર્ડર 2031 સુધીમાં પૂર્ણ થશે. આ વિમાનો INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત જેવા વિમાનવાહક જહાજો પરથી સંચાલિત થશે.
રાફેલની વિશેષતા શું છે?
રાફેલ એક મલ્ટિ-રોલ ફાઈટર વિમાન છે, જે વિવિધ મિશન પાર પાડી શકે છે. તેની મુખ્ય વિશેષતાઓ:
- મલ્ટિરોલ ક્ષમતા: એર-ટુ-એર, એર-ટુ-લેન્ડ, દરિયાઈ હુમલા અને જાસૂસી મિશન પાર પાડી શકે છે.
- ઝડપ: 1,912 કિ.મી./કલાકની ઝડપ, એક મિનિટમાં 18 કિ.મી. ઊંચાઈ.
- રેન્જ: કોમ્બેટ રેન્જ 1,850 કિ.મી., ફેરી રેન્જ 3,700 કિ.મી.
- અદ્યતન એવિઓનિક્સ: કાર્યક્ષમતા વધારે છે.
- શસ્ત્રો: હળવા-ભારે શસ્ત્રો, પરમાણુ શસ્ત્રોની ક્ષમતા.
- હવામાં ઈંધણ ભરવું: લાંબા સમય સુધી હવામાં રહેવાની ક્ષમતા.
- સાંકડી જગ્યામાં ઉતરાણ: નાના હવાઈ મથકો અને જહાજો પરથી સંચાલન.
- વિષમ હવામાનમાં કાર્યક્ષમ: સલામત ઉડાન અને લેન્ડિંગ.
- ડિઝાઈન: ડેલ્ટા વિંગ્સ અને ટ્વીન એન્જિનથી ઉચ્ચ ગતિ અને સંચાલન.
ભારતની સૈન્ય શક્તિમાં વધારો
ભારતીય વાયુસેના પાસે હાલ 36 રાફેલ છે, જે અંબાલા અને હાશીમારામાં બે સ્ક્વોડ્રનમાં વહેંચાયેલા છે. નવા રાફેલથી નૌકાદળની શક્તિમાં નોંધપાત્ર વધારો થશે. ચીન અને પાકિસ્તાન પાસે આવા વિમાનો નથી, જે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની આક્રમકતા સામે ભારતને મજબૂત બનાવશે.
ભારત રાફેલ મરીન કેમ ખરીદે છે?
- ભારતીય નૌકાદળ પાસે હાલ INS વિક્રમાદિત્ય પર મિગ-29 વિમાનો છે.
- મિગ-29ની જાળવણી સમસ્યાઓ અને મર્યાદિત ઉપલબ્ધતાને કારણે રાફેલ મરીન ખરીદાઈ રહ્યા છે.
- INS વિક્રાંત માટે નૌકાદળને અદ્યતન ડેક-આધારિત વિમાનોની જરૂર છે.
- રાફેલની અદ્યતન રડાર, શસ્ત્રોની ક્ષમતા અને સેન્સર તેને મિગ-29 કરતાં શ્રેષ્ઠ બનાવે છે.
- ભારતીય વાયુસેના પાસે પહેલેથી રાફેલ હોવાથી જાળવણી અને તાલીમ સરળ રહેશે.
- નૌકાદળે 57 ફાઈટર જેટ ખરીદવાની યોજના બનાવી હતી.
- રાફેલ મરીન અને બોઈંગ-18નું ગોવામાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
- ફ્રાન્સે સમયમર્યાદા લંબાવવા સંમતિ આપી, જેથી રાફેલ એકમાત્ર વિકલ્પ રહ્યો.
- આ સોદો ભારત-ફ્રાન્સ સંબંધોને મજબૂત કરશે.