Rajkot News: રાજકોટ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોરણ 5માં અભ્યાસ કરતી માત્ર 12 વર્ષની બાળકી પર તેના પાડોશમાં રહેતા બે કિશોરોએ કથિત રીતે દુષ્કર્મ આચર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે, જેના પરિણામે આ બાળકી ગર્ભવતી થઈ ગઈ છે. આ મામલે રાજકોટના બી-ડિવિઝન પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
બનાવની વિગતો અનુસાર, પીડિત બાળકી થોડા દિવસો પહેલાં તેના માતા-પિતા સાથે મહારાષ્ટ્રમાં રહેતા મામાના ઘરે વેકેશન માટે ગઈ હતી. ત્યાં અચાનક તેના પેટમાં દુખાવો થતાં પરિવારજનોએ તેને હોસ્પિટલમાં દાખલ કરી. તપાસ દરમિયાન ડોક્ટરે બાળકી પાંચ મહિનાની ગર્ભવતી હોવાનું જણાવતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા.
પરિવારજનોએ બાળકીની પૂછપરછ કરતાં તેણે તેના પાડોશમાં રહેતા એક કિશોરનું નામ આપ્યું હતું. જેથી બાળકીની માતાએ તાત્કાલિક મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્ટ્ર પોલીસે આ ફરિયાદને ઝીરો નંબરથી નોંધીને રાજકોટના બી-ડિવિઝન પોલીસને મોકલી આપી હતી. જેના આધારે પીઆઈ એસ.એસ. રાણેએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે જ્યારે પીડિત બાળકીની વધુ પૂછપરછ કરી ત્યારે એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. બાળકીએ જણાવ્યું કે તેની સાથે માત્ર એક નહીં, પરંતુ બે કિશોરોએ દુષ્કર્મ આચર્યું હતું. આ બેમાંથી એક કિશોરની ઉંમર આશરે 16 વર્ષ છે, જ્યારે બીજાની ઉંમર લગભગ 13 વર્ષ છે. સૌથી આઘાતજનક વાત એ છે કે 16 વર્ષનો કિશોર પીડિત બાળકીનો નજીકનો સગો છે. તેણે બાળકીને આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેના કારણે બાળકીએ શરૂઆતમાં તેનું નામ માતા-પિતાને જણાવ્યું નહોતું.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પકડાયેલા કિશોરે ગત નવરાત્રિ દરમિયાન બાળકી પર એક વખત દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે તેના સગા કિશોરે તો 6થી 7 વખત તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બાળકીએ પોલીસને જણાવ્યું કે જ્યારે તેના માતા-પિતા કામ પર જતા હતા, ત્યારે તેનો સગો કિશોર ઘરે આવીને તેની સાથે દુષ્કર્મ કરતો હતો.