Kesar Mango Price: તાલાલાની કેસર કેરીની અમેરિકામાં માંગ, 1 હજાર બોક્સ એક્સપોર્ટ; 12 નંગના બોક્સનો જાણો ભાવ

Kesar Mango Price in Talala Gir: ગીરની પ્રખ્યાત કેસર કેરીની વિદેશમાં માંગ વધી રહી છે, ત્યારે તાલાલાથી અમેરિકામાં કેસર કેરીના નિકાસની શરૂઆત થઈ ગઈ છે.

Follow Us:

Kesar Mango Price in Talala Gir: ગીરની પ્રખ્યાત કેસર કેરીની વિદેશમાં માંગ વધી રહી છે, ત્યારે તાલાલાથી અમેરિકામાં કેસર કેરીના નિકાસની શરૂઆત થઈ ગઈ છે. તાલાલાના ખેડૂત ચેતનભાઈ મેંદપરાએ ગઈકાલે અમેરિકાના ન્યુજર્સી ખાતે એર કાર્ગો મારફત કેસર કેરીના 1 હજાર બોક્સનો જથ્થો એક્સપોર્ટ કર્યો છે. આ પહેલા તેઓ ઓસ્ટ્રેલિયામાં પણ કેસર કેરી મોકલી ચૂક્યા છે.

મહત્વની વાત એ છે કે તાલાલા સહિત ગીર પંથકની નવી આંબાવાડીઓમાં સાતથી પંદર વર્ષ અને તેનાથી વધુ ઉંમરના આંબામાં આવતો કેરીનો ફાલ એકદમ ચોખ્ખો હોય છે. આ કેરી એક્સપોર્ટ માટે એકસરખી ગુણવત્તાવાળી મળતી હોવાથી તેની વિદેશમાં ખૂબ માંગ રહે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચેતનભાઈએ તાલાલા ગીર વિસ્તારના વિવિધ ગામોમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળી કેસર કેરી એકત્રિત કરી હતી. ત્યારબાદ અમદાવાદના બાવળામાં સરકાર દ્વારા સંચાલિત પ્લાન્ટમાં આ કેરીનું ગ્રેડિંગ અને વોશિંગ કરવામાં આવ્યું હતું. અમેરિકામાં કેરી મોકલવા માટે ફરજિયાત રેડિયેશન પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. આ રેડિયેશન પ્રક્રિયાથી ફળમાં રહેલા કોઈપણ પ્રકારના જીવાત કે જંતુઓનો નાશ થાય છે, ત્યારબાદ જ આ માલને અમેરિકામાં પ્રવેશ મળે છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અમદાવાદથી એર કાર્ગો મારફત કેસર કેરીના 1 હજાર બોક્સ અમેરિકા રવાના કરવામાં આવ્યા હતા.

આ કેસર કેરીને બાર નંગ મળીને 3 કિલોના બોક્સમાં પેક કરવામાં આવી હતી. અમેરિકાના મોટા મોલમાં આ કેરીનું વેચાણ કરવામાં આવશે. અંદાજિત રીતે એક બોક્સનું રિટેલ વેચાણ 20થી 25 ડોલર સુધી થઈ શકે છે. કેરી એક્સપોર્ટ માટે જરૂરી તમામ પ્રોસેસ પૂર્ણ કરીને કુલ 1 હજાર બોક્સ મોકલવામાં આવ્યા છે. અમેરિકામાં વસતા ભારતીયોની સાથે સાથે અમેરિકનો પણ હવે તાલાલાની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ માણી શકશે.