Vidhyasahayak Bharti 2025: ગુજરાત શિક્ષણ વિભાગે ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વિદ્યાસહાયક ભરતી 2024 માટેની પસંદગી પ્રક્રિયા અગાઉ રદ કરી હતી. ત્યારે હવે ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. શિક્ષણ વિભાગે પુનઃ જિલ્લા પસંદગી માટેના કોલલેટર ડાઉનલોડ કરવા અંગે સૂચના આપી છે, જેનાથી ભરતી પ્રક્રિયા ફરી શરૂ થશે.
ફરીથી જિલ્લા પસંદગી માટે કોલલેટર ડાઉનલોડ કરો
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1 થી 5, ગુજરાતી માધ્યમ, વર્ષ 2024) હેઠળ ઉમેદવારોની ફરીથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે ઉમેદવારોને 05 જૂન થી 28 જૂન, 2025 દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે. ઉમેદવારો તેમના કોલલેટરમાં દર્શાવેલ તારીખ, સમય અને સ્થળ મુજબ હાજર રહેવું પડશે. કોલલેટર મેળવવા માટેની સૂચના શિક્ષણ વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

શા માટે રદ થઈ હતી અગાઉની પ્રક્રિયા?
અગાઉ ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં ઉદ્ભવેલી સમસ્યાને કારણે લેવાયો હતો. આ ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર “રિઝલ્ટ” શબ્દ લખેલો હતો. પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરીને ટકાવારી કાઢવામાં આવતા, કેટલાક ઉમેદવારોના મેરીટમાં ફેરફાર થવાની શક્યતા હતી, જેના કારણે ઉમેદવારોમાં અસંતોષ ઊભો ન થાય તે માટે શિક્ષણ વિભાગે આ પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય લીધો હતો.