Gandhinagar: અમદાવાદ અને ગાંધીનગર પંથકમાં મહિલા પેસેન્જરોને બેભાન કરી તેમની પાસેથી દાગીના અને રોકડની લૂંટ ચલાવતી એક ખતરનાક ગેંગનો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) ચાર મહિલાઓ સહિત છ સભ્યોની આ ટોળકીને રૂ. 11.79 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે.
છેલ્લા કેટલાક સમયથી આ રિક્ષા ગેંગે મહિલાઓને નિશાન બનાવી આતંક મચાવ્યો હતો. રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ આ ઘટનાઓને ગંભીરતાથી લઈ તાત્કાલિક પગલાં ભરવા સૂચના આપી હતી. જેના પગલે એલસીબી પીઆઈ દિવાનસિંહ વાળાની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે 200થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ વધારીને આ ગેંગ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
પોલીસે બાતમીના આધારે ખાત્રજ-લપકામણ વિસ્તારમાં વોચ ગોઠવી બે રિક્ષા સાથે આ છ સભ્યોની ગેંગને ઝડપી લીધી હતી. પકડાયેલા આરોપીઓમાં શૈલેષ ઉર્ફે સંજય સોલંકી, લતા ઉર્ફે લખડી કનૈયાલાલ ચૌહાણ, જમના ઉર્ફે અન્ના કિશન મારવાડી, સંજય ગૌતમ પરમાર, રતન સંજય ગૌતમ પરમાર અને મનિષા ઉર્ફે ટોલી કાનજી ગંગારામ સલાટનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગે અત્યાર સુધીમાં કુલ 9 ગુના આચર્યા છે. આરોપી લતા ચૌહાણ વિરુદ્ધ સૌથી વધુ 7 ગુના, જ્યારે શૈલેષ અને જમના મારવાડી વિરુદ્ધ 2-2 ગુના નોંધાયેલા છે. આ ગેંગ ખાસ કરીને એકલી મુસાફરી કરતી મહિલાઓને જ પોતાનું નિશાન બનાવતી હતી.
આ અંગે માહિતી આપતા એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, આ ગેંગ મહિલાઓને જ્યુસ અને શેરડીના રસ જેવા પીણામાં બેભાન કરવાની દવા ભેળવીને પીવડાવતી હતી, અને ત્યારબાદ તેમના દાગીના તથા રોકડની ચોરી કરી ફરાર થઈ જતી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેંગમાં સંડોવાયેલા અન્ય લોકોની પણ શોધખોળ ચાલુ છે.