Mock Drill in Gujarat: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. જે બાદ ભારત અને પાકિસ્તાનની સરહદ પર તણાવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મોટું પગલું ભર્યું છે. આવતીકાલે 7મી મેના રોજ ગુજરાતનાં 19 શહેરો સહિત દેશના 244 શહેરોમાં યુદ્ધની મોકડ્રિલ યોજવામાં આવશે. જેની તૈયારીના ભાગરૂપે ગાંધીનગરમાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ મોકડ્રિલમાં ગુજરાતના સુરત, વડોદરા, કાકરાપાર, અમદાવાદ, જામનગર, ભુજ, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર, ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારી શહેરનો સમાવેશ થાય છે.
આ મોકડ્રિલ દરમિયાન, બપોરે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવશે. ખાસ કરીને, સાંજે 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી શહેરોમાં બ્લેકઆઉટ એટલે કે વીજળી કાપ કરવામાં આવશે અને જોરદાર સાયરન પણ વગાડવામાં આવશે.
ગૃહ મંત્રાલયે આ મોકડ્રિલનું આયોજન એટલા માટે કર્યું છે જેથી નાગરિકોને યુદ્ધ જેવી કટોકટીની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તાલીમ આપી શકાય. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને નાગરિક સંરક્ષણના કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવશે. આવી પરિસ્થિતિઓમાં નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવી એ આ મોકડ્રિલનો મુખ્ય હેતુ છે.
જો આવતીકાલે તમને કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ગભરાશો નહીં. આ કોઈ વાસ્તવિક કટોકટી નથી, પરંતુ યુદ્ધ જેવી પરિસ્થિતિની તૈયારી માટેની એક મોકડ્રિલ છે. આ દરમિયાન વાગનારું સાયરન લોકોને યુદ્ધ અથવા હવાઈ હુમલા જેવી સ્થિતિમાં શું કરવું જોઈએ તે અંગે જાગૃત કરવા માટે વગાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 1971ના યુદ્ધ બાદ પ્રથમવાર ભારત સરકારે આ પ્રકારની દેશવ્યાપી મોકડ્રિલનો આદેશ આપ્યો છે.