આઈસ્ક્રીમમાંથી નીકળી ગરોળીની પૂંછડી: અમદાવાદના મણિનગરમાં બની ઘટના; મહિલાની તબિયત લથડી

અમદાવાદના મણિનગરમાં એક મહિલાએ જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડના કોનમાં ગરોળીની પૂંછડી જોવાનો આક્ષેપ કર્યો. આ ઘટના બાદ મહિલાને તબીબી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. એમાં કોઈ પુષ્ટિ નથી.

Published By:

Updated:

Follow Us:

Lizard Found In Ice Cream

Lizard Found In Ice Cream: અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ જાણીતી આઈસ્ક્રીમ બ્રાન્ડના કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળવાનો આક્ષેપ કર્યો છે. આ ઘટના બાદ મહિલાની તબિયત લથડી હતી અને તેને હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. જો કે, આ દાવાની ગુજ્જુ ભૂમિ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

મણિનગરમાં રહેતી આ મહિલાનો દાવો છે કે જ્યારે તે આઈસ્ક્રીમ કોન ખાઈ રહી હતી, ત્યારે તેના મોંમાં કંઈક અજુગતું આવ્યું હતું. બહાર કાઢીને જોતા તે ગરોળીની પૂંછડી હોવાનું જણાયું હતું. આ ઘટના બાદ મહિલાને ઉલટીઓ થવા લાગી હતી, જેના કારણે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાલમાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

ભોગ બનનાર મહિલાના પતિના જણાવ્યા અનુસાર, તેમણે આ આઈસ્ક્રીમ કોન મણિનગર ક્રોસિંગ પાસે આવેલા મહાલક્ષ્મી કોર્નરથી ખરીદ્યો હતો. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ ખરીદી માટે તેમને પાકું બિલ આપવામાં આવ્યું નહોતું. તેમનું કહેવું છે કે જો આટલી મોટી અને નામાંકિત બ્રાન્ડની આઈસ્ક્રીમમાં આવી વસ્તુ નીકળતી હોય તો અન્ય બ્રાન્ડની ગુણવત્તા વિશે શું કહી શકાય?

આ ઘટનાએ ખાદ્ય સુરક્ષા અને મોટી બ્રાન્ડોની ગુણવત્તા સામે સવાલો ઉભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ અનેકવાર ખાવાની ચીજોમાંથી જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ સામે આવી છે.

હાલમાં આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે કેમ તે અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. જો કે, આ ઘટનાએ આઈસ્ક્રીમ ખાતા લોકોમાં ચોક્કસપણે ડર પેદા કર્યો છે. લોકો હવે કોઈપણ બ્રાન્ડની આઈસ્ક્રીમ ખાતા પહેલાં અનેકવાર વિચારવા મજબૂર બન્યા છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે, જેમાં કથિત રીતે આઈસ્ક્રીમમાંથી નીકળેલી ગરોળીની પૂંછડી જોઈ શકાય છે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi