Driving Licence Date Of Birth Change Online: સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) દ્વારા મોટા ભાગની સેવાઓ હવે ફેસલેસ એટલે કે અરજદારની રૂબરૂ હાજરી વિના ઓનલાઈન કરી દેવામાં આવી છે. જો કે, કેટલીક સેવાઓ માટે હજુ પણ અરજદારોને આરટીઓ કચેરીએ જવું પડે છે. પરંતુ હવે ડ્રાઇવિંગ લાયસન્સ (DL) માં જન્મ તારીખની ભૂલ સુધારવા માટે અરજદારોને આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નહીં રહે. અરજદાર હવે પોતાના આધારભૂત પુરાવાઓનો ઉપયોગ કરીને ઓનલાઈન માધ્યમથી જાતે જ આ સુધારો કરી શકશે.
ઓનલાઈન જન્મ તારીખમાં સુધારો કરવા માટે અરજદારે માત્ર 200 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. આ સુધારો કરવા માટે અરજદારે કુલ 14 સ્ટેપ ફોલો કરવાના રહેશે. સંપૂર્ણ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સુધારેલું લાયસન્સ અરજદારના ઘરે પહોંચી જશે. આ નવી સુવિધાથી રાજ્યના લાખો અરજદારોને આરટીઓ કચેરીના ધક્કામાંથી મુક્તિ મળશે.
પ્રાદેશિક વાહન વ્યવહાર ગુજરાત રાજ્યની તમામ કચેરીઓમાં સેન્ટ્રલ મોટર વિહિકલ રૂલ 4 અંતર્ગત હવે ડ્રાઇવિંગ લાઇસન્સમાં જન્મ તારીખ સુધારવાની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. અરજદારો હવે પોતાના માન્ય પુરાવા ઓનલાઈન અપલોડ કરીને આ સુધારો કરી શકશે.
જન્મ તારીખ સુધારવા માટે આ 14 સ્ટેપ ફોલો કરો:
- પરિવહનની વેબસાઈટ ખોલો.
- “ઓનલાઈન સર્વિસ” પર ક્લિક કરો.
- “ડ્રાઈવિંગ લાઈસન્સ રિલેટેડ સર્વિસ” પર ક્લિક કરો.
- તમારા રાજ્યની પસંદગી કરો.
- “ડ્રાઈવિંગ લાઈસન્સ સર્વિસ” પર ક્લિક કરો.
- તમારો ડ્રાઈવિંગ લાઈસન્સ નંબર, જન્મ તારીખ અને કેપ્ચા કોડ ઉમેરો.
- ફેસલેસ સર્વિસ માટે તમારો આધાર નંબર દાખલ કરો.
- “ચેન્જ ઓફ ડેટ ઓફ બર્થ ઈન ડ્રાઈવિંગ લાઈસન્સ” ઓપ્શન પસંદ કરો.
- તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- તમારો ફોટો અને સહી અપલોડ કરો.
- ઓનલાઈન ફી પેમેન્ટમાં 200 રૂપિયાની ફી ચૂકવો.
- તમારી અરજી સ્ક્રૂટિની માટે જશે.
- RTD/ARTO દ્વારા તમારી અરજી મંજૂર કરવામાં આવશે.
- સુધારેલું ડ્રાઇવિંગ લાયસન્સ પ્રિન્ટ અને ડિસ્પેચ કરવામાં આવશે, જે તમારા ઘરે પહોંચી જશે.
જન્મ તારીખ સુધારવા માટે આ પુરાવાઓ જરૂરી છે:
સેન્ટ્રલ મોટર વિહિકલ રૂલ 4 મુજબ, જન્મ તારીખના સુધારા માટે માન્ય પુરાવા તરીકે અરજદાર પાસપોર્ટ, શાળાનું પ્રમાણપત્ર, જન્મ પ્રમાણપત્ર અથવા જન્મ સમયે ડૉક્ટર દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકે છે.