Glow Garden Ahmedabad: હવેથી અમદાવાદ રિવરફ્રન્ટ પર ભવ્ય ગ્લો ગાર્ડનની મજા માણી શકાશે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SoU) ખાતેના ગ્લો ગાર્ડનની જેમ જ હવે અમદાવાદના નગરજનો અને પ્રવાસીઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આવા જ એક ભવ્ય અને આકર્ષક ગ્લો ગાર્ડન (નાઈટ ફ્લાવર પાર્ક)નો અનુભવ કરી શકશે.

Follow Us:

Glow Garden Ahmedabad Ticket Price, Timings: સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SoU) ખાતેના ગ્લો ગાર્ડનની જેમ જ હવે અમદાવાદના નગરજનો અને પ્રવાસીઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આવા જ એક ભવ્ય અને આકર્ષક ગ્લો ગાર્ડન (નાઈટ ફ્લાવર પાર્ક)નો અનુભવ કરી શકશે. આશરે ₹3 કરોડના ખર્ચે 4500 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરાયેલા આ ગ્લો ગાર્ડનનું આજે, 19 જુલાઈ, 2025ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે.

ગ્લો ગાર્ડનની વિશેષતાઓ

આ નવનિર્મિત ગ્લો ગાર્ડન રાત પડતા જ વિવિધ LED લાઈટ્સથી ઝળહળી ઉઠશે, જે એક અદભૂત અને મંત્રમુગ્ધ કરનારો નજારો પૂરો પાડશે. અહીં મૂકવામાં આવેલાં વિવિધ પ્રાણીઓના અને કાર્ટૂનના સ્કલ્પચર્સ પ્રવાસીઓને જાણે કે જંગલ સફારીનો અનુભવ કરાવશે. બાળકો માટે ખાસ મૂકવામાં આવેલા કાર્ટૂન સ્કલ્પચર્સ તેમને મનોરંજન પૂરું પાડશે તેવી અપેક્ષા છે.

પ્રવેશ અને ટિકિટની માહિતી

રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડનનો સમાવેશ ફ્લાવર પાર્કમાં જ કરવામાં આવેલ હોવાથી, માત્ર ગ્લો ગાર્ડન અથવા ફ્લાવર પાર્ક માટે અલગથી ટિકિટ લેવાની રહેશે નહીં. વિકલાંગ વ્યક્તિઓ તેમજ 3 વર્ષ સુધીના બાળકો માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે. રિવરફ્રન્ટ મૂન ટ્રેઇલની ટિકિટ રાત્રે 10 વાગ્યા સુધી જ ઇસ્યુ કરવામાં આવશે. ટિકિટના દર અંગેની વિગતવાર માહિતી ગાર્ડનના પ્રવેશદ્વાર પરથી ઉપલબ્ધ થશે.

રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડનની મુલાકાતનો સમય

સમયગાળોમુલાકાત સમય
નવેમ્બરથી ફેબ્રુઆરીસાંજે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી
માર્ચથી ઓક્ટોબરસાંજે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી

ટિકિટનો દર

ગાર્ડનનું નામપુખ્તસિનિયર સિટીઝન3 થી 12 વર્ષના બાળકોએજ્યુકેશનલ
ફ્લાવર પાર્ક અને રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડન₹80/-₹60/-₹60/-₹20/-
અટલ બ્રિજ + ફ્લાવર પાર્ક + રિવરફ્રન્ટ ગ્લો ગાર્ડન₹110/-₹80/-₹80/-

લોકાર્પણ સમારોહ અને ‘શહેરી વિકાસ 2025’ પહેલ

આ ગ્લો ગાર્ડનનું લોકાર્પણ ‘શહેરી વિકાસ 2025’ પહેલ અંતર્ગત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2025ને ભારતમાં ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે, કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

‘શહેરી વિકાસ વર્ષ 2025’ની ઉજવણી અંતર્ગત ગુજરાતનો સૌપ્રથમ કાર્યક્રમ અમદાવાદના પાલડી ખાતે આવેલા ટાગોર હોલમાં આજે, 19 જુલાઈના રોજ યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો, સાંસદ સભ્યો, તેમજ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો આ નવો ગ્લો ગાર્ડન શહેરની સુંદરતામાં વધારો કરશે અને પ્રવાસીઓ તેમજ સ્થાનિકો માટે એક નવું આકર્ષણ કેન્દ્ર બનશે.