Ahmedabad AMTS BRTS Routes: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને જોતા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રસ્તાઓ પર વાહનોનું ભારણ ઘટાડવા માટે હવે AMTSની બસો પણ બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ (BRTS)ના કોરિડોરમાં દોડશે. શરૂઆતમાં પાંચ રૂટ પર 49 વધારાની AMTS બસો BRTS કોરિડોરનો ઉપયોગ કરશે.
અમદાવાદમાં ટ્રાફિક સતત વધી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં સાંકડા રસ્તાઓ અને કોરિડોરના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધુ ગંભીર બની છે. આ સમસ્યાને દૂર કરવા માટે AMTS દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
હવે આ રૂટની AMTS બસો BRTS કોરિડોરમાં દોડશે:
કોરિડોરની બહાર દોડતી પાંચ રૂટની AMTS બસોને હવે BRTS કોરિડોર તરફ વાળવામાં આવશે. આમાં પૂર્વથી પશ્ચિમ સુધીના વિસ્તારોને જોડતા રૂટનો સમાવેશ થાય છે. નીચે મુજબના પાંચ રૂટ પર AMTS બસો BRTS કોરિડોરમાં દોડશે:
- ઓઢવથી ઘુમા
- સારંગપુરથી બોપલ
- ઘુમાથી નરોડા
- ઇસ્કોનથી વિવેકાનંદ નગર
- ગોધાવીથી હાટકેશ્વર
બસમાં મુસાફરી કરતા લોકોએ હવે બસ પકડવા માટે AMTS બસ રૂટ પરના બસ સ્ટેન્ડને બદલે BRTS સ્ટેશન પર જવું પડશે. જો કે, BRTS બસ સ્ટેન્ડ પર AMTS બસની ટિકિટ ઉપલબ્ધ નહીં હોય. AMTS બસોની ટિકિટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.