Ahmedabad Rath Yatra Route 2025: અમદાવાદ રથયાત્રા 2025 રૂટ, નો પાર્કિંગ ઝોન અને BRTSના બદલાયેલા રૂટની સંપૂર્ણ જાણકારી

આ લેખમાં અમે તમને રથયાત્રાનો સંપૂર્ણ રૂટ, ઘરે બેઠા લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોઈ શકશો, BRTS બસ સેવાઓમાં કરાયેલા ફેરફારો અને શહેરમાં લાગુ થયેલા ટ્રાફિક અને નો પાર્કિંગ ઝોન વિશે તમામ જરૂરી માહિતી આપવા જઈ રહ્યા છે.

Published By:

Follow Us:

Ahmedabad Rath Yatra Route 2025: અમદાવાદમાં 27 જૂન 2025ના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ધામધૂમથી ઉજવાશે. પુરી પછી દેશની બીજી સૌથી મોટી ગણાતી આ ભવ્ય યાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં આરૂઢ થઈ ભક્તોને દર્શન આપે છે. લાખો લોકો ભક્તિભાવથી આ યાત્રામાં ભાગ લે છે.

આ લેખમાં અમે તમને રથયાત્રાનો સંપૂર્ણ રૂટ, ઘરે બેઠા લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોઈ શકશો, BRTS બસ સેવાઓમાં કરાયેલા ફેરફારો અને શહેરમાં લાગુ થયેલા ટ્રાફિક અને નો પાર્કિંગ ઝોન વિશે તમામ જરૂરી માહિતી આપવા જઈ રહ્યા છે.

રથયાત્રા 2025 સમય (Rath Yatra 2025 Timings)

આ પવિત્ર રથયાત્રાનો પ્રારંભ સવારે 7:00 વાગ્યે જમાલપુર ખાતે આવેલા 400 વર્ષ જૂના ઐતિહાસિક જગન્નાથ મંદિરથી થશે. આ યાત્રા શહેરના લગભગ 16 કિલોમીટરના માર્ગ પર ભક્તિમય માહોલમાં આગળ વધશે અને રાત્રે 8:00 વાગ્યે મંદિર પર પરત ફરશે તેવી અપેક્ષા છે.

અમદાવાદ રથયાત્રા રૂટ 2025 – Ahmedabad Rath Yatra Route 2025

પ્રારંભિક માર્ગ:

આ રથયાત્રા જમાલપુર ચકલાથી શરૂ થઈને વૈશ્ય સભા, ગોલીમડા, આસ્ટોડિયા ચકલા, મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જુની ગેટ, ખાડિયા ક્રોસ રોડ્સ, પંચકુવા, કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ જેવા મહત્વપૂર્ણ વિસ્તારોમાંથી પસાર થશે. સરસપુરમાં શ્રી રણછોડરાયજી મંદિર ખાતે સ્થાનિક ભક્તો દ્વારા યાત્રાળુઓ માટે ભવ્ય મહાભોજની વ્યવસ્થા કરવામાં આવશે.

પરત ફરતી યાત્રાનો માર્ગ:

પરત ફરતી યાત્રા કાલુપુર ચોખા બજાર, પ્રેમ દરવાજા, ત્યારબાદ સંવેદનશીલ વિસ્તારો જેવા કે દરિયાપુર, શાહપુર હલીમ ની ખડકી, રંગીલા પોલીસ ચોકી, દિલ્હી ચકલા, ઘી કાંટા, પંકોર નાકા, માણેક ચોક અને ખમાસા થઈને અંતે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર પર પરત પહોંચશે.

રથયાત્રા 2025: લાઈવ સ્ટ્રીમિંગ

જે ભક્તો કેટલાક લોકો કારણોસર યાત્રામાં ભાગ લઈ શકતા નથી. આવા ભક્તો માટે સારા સમાચાર છે. અમદાવાદ રથયાત્રા 2025નું લાઈવ સ્ટ્રીમિંગ અનેક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. આ પાવન યાત્રાનો ભક્તિમય અનુભવ રાષ્ટ્રીય પ્રસારણકર્તા દૂરદર્શન, સ્થાનિક ટેલિવિઝન ચેનલો તેમજ વિવિધ ડિજિટલ પોર્ટલ દ્વારા લાઈવ જોવા મળશે. જેથી ભક્તો ઘરે બેઠા ભગવાન જગન્નાથજીના દર્શન અને રથયાત્રાનો આનંદ લઈ શકશે.

BRTS રૂટમાં ફેરફારો:

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રાને ધ્યાનમાં રાખીને એક દિવસ માટે BRTS બસના રૂટમાં ફેરફાર કરાયો છે. અમુક BRTS રૂટ રાબેતા મુજબ કાર્યરત રહેશે, જ્યારે અન્યમાં આંશિક ફેરફાર કરવામાં આવશે.

નિયમિત કાર્યરત રૂટ:

  • રૂટ નં. 01: મણિનગરથી ઘુમા ગામ
  • રૂટ નં. 03: આરટીઓ સર્કલથી મણિનગર
  • રૂટ નં. 04: એલડી એન્જિનિયરિંગ કોલેજથી ઝુંડાલ સર્કલ-અંબા ટાઉનશીપ
  • રૂટ નં. 05: વાસણાથી હંસપુરા રીંગ રોડ
  • રૂટ નં. 06: નારોલથી નરોડા એસટી વર્કશોપ
  • રૂટ નં. 07: નારોલથી સારંગપુર દરવાજા અને ઝુંડાલ સર્કલથી સરકારી લિથો પ્રેસ કેબિન
  • રૂટ નં. 12: આરટીઓ સર્કલથી રબારી કોલોની
  • રૂટ નં. 14: સાણંદ સર્કલથી સારંગપુર દરવાજા
  • રૂટ નં. 15: ઇસ્કોન ક્રોસરોડ્સથી આરટીઓ સર્કલ-એરપોર્ટ
  • રૂટ નં. 16: સાણંદ સર્કલથી નહેરુનગર
  • રૂટ નં. 17: સાઉથ બોપલ ટર્મિનસથી નહેરુનગર

આંશિક ફેરફારો સાથેના રૂટ:

  • રૂટ નં. 02: SP રિંગ રોડથી ઇસ્કોન ક્રોસરોડ્સને બદલે, તે ઇસ્કોન ક્રોસરોડ્સથી લો ગાર્ડન સુધી ચાલશે.
  • રૂટ નં. 08: ભાડજ સર્કલથી નરોડા ગામને બદલે, તે ભાડજ સર્કલથી સરકારી લિથો પ્રેસ (કેબિન) સુધી ચાલશે.
  • રૂટ નં. 09: મણિનગરથી ગોતા વસંતનગર ટાઉનશીપ સુધી જવાને બદલે, તે ગોતા વસંતનગર ટાઉનશીપથી એલડી કોલેજ સુધી ચાલશે.
  • રૂટ નં. 11: ઓઢવ એસપી રીંગ રોડથી એલડી એન્જિનિયરિંગ કોલેજ સુધી જવાને બદલે, તે ઓઢવ એસપી રીંગ રોડથી આસ્ટોડિયા દરવાજા સુધી ચાલશે.

આ BRTS સ્ટેશન-કેબિનથી બસ સેવા સ્થગિત રહેશે:

દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર ઘી બજાર, કાલુપુર રેલ્વે સ્ટેશન, આસ્ટોડિયા ચકલા, મહાનગરપાલિકા કચેરી, રાયખાડ ચાર રસ્તા, લોકમાન્ય તિલક બાગ, એમજે લાઇબ્રેરી, જીસીએસ હોસ્પિટલ, અરવિંદ મિલ, જીનીંગ પ્રેસ, અશોક મિલ, નરોડા ફ્રુટ માર્કેટ, મેમ્કો ક્રોસરોડ્સ, AMC નોર્થ ઝોન ઓફિસ, સૈજપુર ટાવર, નરોડા એસટી વર્કશોપ કેબિન.

અમદાવાદ પોલીસનું જાહેરનામું: નો પાર્કિંગ ઝોન

રથયાત્રાની તૈયારીના ભાગરૂપે, અમદાવાદ પોલીસે શહેરના કેટલાક જાહેર માર્ગોને નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે. આ નિર્દેશ ગુજરાત પોલીસ અધિનિયમ, 1951 ની કલમ-33 હેઠળ જારી કરવામાં આવ્યો છે.

નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલા વિસ્તારો

આ વિસ્તારોમાં જમાલપુર દરવાજા બહાર જગન્નાથ મંદિરથી જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલા (BRTS રૂટ સહિત), મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જુની ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડન રોડ, બેચર લશ્કરની હવેલી, દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔતમ પોળ, આર.સી. હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા, ચાંદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા અને ફરીથી જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર શામેલ છે.

અમલનો સમયગાળો

આ જાહેરનામું 26 જૂન, 2025 ના કલાક 00:00 વાગ્યાથી 27 જૂન, 2025 ના રોજ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.