Ahmedabad Rain: હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેના પગલે આજે મોડી રાત્રે રાજ્યના ચારેય ઝોનમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદ પડવાને કારણે અનેક વીજળીના થાંભલા અને વૃક્ષો પડી ગયા હતા. જ્યારે કેટલાક જિલ્લાઓમાં વહેલી સવારથી ફરી વરસાદ શરૂ થયો છે.
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ તૂટી પડ્યો
આજે રાજ્યના અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હતી. તેવામાં રાત્રે અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મોડી રાત્રે ભારે પવન સાથે શહેરના એસજી હાઈવે, જગતપુર, ન્યુ રાણીપ, ચાંદલોડિયા, ચાંદખેડા, મોટેરા અને રાણીપ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાત્રિના 1 થી 4 વાગ્યા સુધી અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ હતું, અને 5 થી 15 મિલીમીટર પ્રતિ કલાક વરસાદની શક્યતા હતી. સાથે જ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અચાનક પવન ફૂંકાવાની પણ શક્યતા હતી. વાડજ, અખબાર નગર, શાહીબાગ, ઇન્કમટેક્સ, નવરંગપુરા વગેરે વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ શરૂ થયો હતો.
આજે કયા જિલ્લાઓમાં વરસાદ?
હવામાન વિભાગે આગામી બે દિવસ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાત રાજ્યના અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે.
આવતીકાલે કયા જિલ્લાઓમાં વરસાદ?
આવતીકાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના તમામ જિલ્લાઓમાં તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓ જેવા કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થયેલા અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને અન્ય ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આ વરસાદી માહોલ સર્જાયો છે. આગામી 30 મેથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.