Ahmedabad News: અમદાવાદના સરખેજ-ગાંધીનગર (SG) હાઈવે પર ચાલી રહેલા એલિવેટેડ કોરિડોર (ફ્લાયઓવર)ના નિર્માણ કાર્યને કારણે, કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ તરફ જતો આશરે 100 મીટરનો એક તરફનો માર્ગ આગામી છ મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નેશનલ હાઈવે ડિવિઝન (અમદાવાદ) દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, આ સ્થળે બ્રિજના પિલરો તૈયાર થઈ ગયા છે અને હવે તેના પર ગર્ડર લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ કામગીરી 24 કલાક ચાલશે અને તેને પૂર્ણ થવામાં લગભગ છ મહિનાનો સમય લાગશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને પડતી અગવડતાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.
પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગો:
પ્રતિબંધિત માર્ગ: એસ.જી. હાઈવે પરના કર્ણાવતી ક્લબથી YMCA ક્લબ તરફ જતો આશરે 100 મીટર જેટલો એક તરફનો રોડ આગામી 6 મહિના સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ: સાણંદ અને સરખેજ તરફથી આવતા નાના અને મોટા વાહનોનો ટ્રાફિક YMCA ક્લબ તરફથી ડાબી બાજુ વળીને ભગવાન સર્કલથી જમણી બાજુ વળશે. ત્યાંથી ઝવેરી સર્કલ (ચકરી સર્કલ) થઈ જમણી બાજુ વળી કર્ણાવતી ક્લબ થઈ એસ.જી. હાઈવે પરથી અલગ-અલગ માર્ગો ઉપર જઈ શકશે.
આ ઉપરાંત, ઇસ્કોનથી સરખેજ તરફ જતો રોડ વાહન વ્યવહાર માટે ચાલુ રાખવામાં આવશે.
વાહનચાલકોને અપીલ કરવામાં આવે છે કે અગવડતા ટાળવા માટે જાહેર કરાયેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે. ટ્રાફિક પોલીસ દ્વારા આ અંગે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.