Ahmedabad News: અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક વેપારી ડેટિંગ એપ પરની મિત્રતાના કારણે મોટી છેતરપિંડીનો ભોગ બન્યો છે. એક યુવતી અને તેના સાથીદારે વેપારીને પ્રેમમાં ફસાવી દિલ્હી બોલાવ્યા હતા. ત્યાં પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપીને કુલ 1.66 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ગુનો નોંધીને ઔરંગાબાદથી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકોએ પહેલાં પણ ડેટિંગ એપથી ઘણા લોકોને નિશાન બનાવી કરોડો રૂપિયા લૂંટ્યા છે.
ફોટા વાયરલ કરવાની ધમકી આપી 1.66 કરોડ પડાવ્યા
અમદાવાદના 45 વર્ષના એક વેપારીએ એક વર્ષ પહેલાં મોબાઈલમાં કેટલીક ડેટિંગ એપ ડાઉનલોડ કરી હતી. ટિન્ડર એપ દ્વારા તેમની ઓળખાણ દિલ્હીની એક મહિલા સાથે થઈ હતી. વોટ્સએપ પર વાતચીત બાદ તે થોડા મહિના પહેલાં તે મહિલાને મળવા દિલ્હી ગયો હતો. જો કે, એપ પર દેખાડેલા ફોટાને બદલે ત્યાં બીજી જ મહિલા હતી, જેણે ઓળખ છુપાવવા ખોટો ફોટો મૂક્યો હોવાનું કહ્યું હતું.
ત્યારબાદ વેપારી જ્યારે તે મહિલા સાથે હોટલમાં હતો, ત્યારે મહિલાએ નક્કી કરેલી યોજના મુજબ વેપારી પર મારપીટ અને ધમકીનો આરોપ મૂક્યો અને બદનામ કરવાની ધમકી આપી હતી. એ જ વખતે એક માણસ રૂમમાં આવ્યો અને તેણે પોલીસ તરીકે ઓળખ આપી કેસ કરવાની ધમકી આપીને સમાધાન પેટે પહેલાં દોઢ લાખ રૂપિયા લીધા હતા.
વેપારી અમદાવાદ પાછો ફર્યો પછી પણ તેમને ધમકીઓ મળતી રહી. પોલીસ તરીકે ઓળખ આપનારે પોલીસ યુનિફોર્મમાં વીડિયો કોલ કરીને વેપારીના ખરાબ ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર પૈસા પડાવ્યા હતા. આ રીતે આરોપીઓએ વેપારી પાસેથી કુલ 1.66 કરોડ રૂપિયા પડાવી લીધા.
આ ત્રાસથી કંટાળીને વેપારીએ આખરે પોતાના પરિવારને વાત કરી અને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરત જ કાર્યવાહી કરીને મોબાઈલ લોકેશનના આધારે ઔરંગાબાદથી કૌશલેન્દ્ર સિંહ અને અરુણ સિંહ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે, મુખ્ય આરોપી કૌશલેન્દ્ર સિંહ દિલ્હીમાં એસ્કોર્ટ સર્વિસમાં કામ કરતો હતો અને તેણે પોતાના ગ્રાહકોના ફોટાનો ઉપયોગ કરીને ટિન્ડર જેવા બનાવટી એકાઉન્ટ બનાવી લોકોને ફસાવવાનું શરૂ કર્યું હતું. બીજો આરોપી અરુણ સિંહ બેંક એકાઉન્ટ પૂરા પાડતો હતો. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને બીજા ભોગ બનેલા લોકોની ઓળખ કરવા પ્રયાસ કરી રહી છે.