PBKS vs MI IPL 2025: ધર્મશાળાની મેચ હવે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં, મુંબઈ-પંજાબ વચ્ચે જામશે જંગ

આઈપીએલ 2025માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આગામી 11 મેના રોજ ધર્મશાળામાં રમાનારી મહત્વપૂર્ણ મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

Published By:

Updated:

Follow Us:

PBKS vs MI IPL 2025: આઈપીએલ 2025માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આગામી 11 મેના રોજ ધર્મશાળામાં રમાનારી મહત્વપૂર્ણ મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અગાઉ આ મેચ ધર્મશાળાને બદલે મુંબઈમાં યોજવાનું આયોજન હતું, પરંતુ પંજાબ કિંગ્સ દ્વારા તટસ્થ સ્થળની માંગણી કરવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય બાબત એ છે કે, આ નિર્ણય નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના માત્ર 24 કલાકની અંદર જ લેવામાં આવ્યો છે.

7 મેના રોજ GCAને મળ્યો હતો ધમકીભર્યો ઈ-મેલ

ગત 7 મેના રોજ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ને એક ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો, જેમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પાકિસ્તાનના નામે આવેલા આ ઈ-મેલને પગલે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. GCA દ્વારા આ અંગેની જાણ તુરંત જ અમદાવાદ પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમના દરેક ખૂણે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ ઈ-મેલ જર્મની-રોમાનિયાથી ઓપરેટ થયો હોવાનું જાણવા મળ્યું હતું. ચાંદખેડા પોલીસે અજાણ્યા ઈ-મેલ મોકલનાર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

We Will Blast Your Studium

આ ધમકીભર્યા ઈ-મેલ અંગે સિનિયર IPS અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઈ-મેલ પાકિસ્તાન જેકેના નામથી આવ્યો હતો અને તેમાં માત્ર એક જ લાઈનમાં We Will Blast Your Studium લખવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં IPLની મહત્વની મેચ યોજાવાની હોવાથી આ ઈ-મેલને ગંભીરતાથી લઈને તમામ જરૂરી સુરક્ષા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી, જેના કારણે સરહદ પર તણાવની સ્થિતિ છે. આ સંજોગોમાં અમદાવાદના સ્ટેડિયમને મળેલી ધમકીને સુરક્ષા એજન્સીઓ દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે.