Places To Visit Near Ahmedabad During Monsoon: હાલમાં ચોમાસાની ઋતુ તેની પરાકાષ્ઠાએ છે, ત્યારે લીલાછમ વાતાવરણ અને આહ્લાદક દ્રશ્યો પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરની નજીક આવેલા કેટલાક પ્રમુખ સ્થળો પરિવાર અને મિત્રો સાથે ફરવા માટે આદર્શ બની રહે છે. આ સ્થળો પ્રકૃતિના સૌંદર્ય, ઐતિહાસિક વારસો અને આધ્યાત્મિક શાંતિનો અનોખો અનુભવ પ્રદાન કરે છે.
ચોમાસામાં અમદાવાદ નજીક ફરવાલાયક સ્થળો
અડાલજ વાવ (Adalaj Stepwell)
અમદાવાદથી આશરે 20 કિલોમીટરના અંતરે આવેલી અડાલજ વાવ, જેને અડાલજ સ્ટેપવેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ઐતિહાસિક સ્થાપત્ય અજાયબી છે. ચોમાસામાં આ વાવની મુલાકાત એક શાંતિપૂર્ણ અને યાદગાર અનુભવ પ્રદાન કરે છે. તેની જટિલ કોતરણી અને અનન્ય વાસ્તુશૈલી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. નજીકમાં આવેલા હર્ષદ માતા મંદિરની પણ મુલાકાત લઈ શકાય છે. અડાલજ વાવ સુધી અમદાવાદથી પ્રાઈવેટ કે ખાનગી વાહન વ્યવહાર દ્વારા લગભગ એક કલાકમાં સરળતાથી પહોંચી શકાય છે.
અક્ષરધામ મંદિર, ગાંધીનગર (Akshardham Temple, Gandhinagar)
અમદાવાદથી લગભગ 30 કિલોમીટર દૂર ગાંધીનગરમાં આવેલું સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર આધ્યાત્મિક શાંતિનું પ્રતિક છે. ચોમાસા દરમિયાન અહીં યોજાતો હિન્દુ પૌરાણિક કથાઓ પર આધારિત લેસર વોટર શો વધુ રોમાંચક બની જાય છે. મંદિરનું ભવ્ય સ્થાપત્ય, ઓન-સાઇટ પ્રદર્શનો અને સુશોભિત બગીચાઓ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ગાંધીનગર અમદાવાદથી માત્ર 27 કિલોમીટર દૂર છે અને માર્ગ દ્વારા એક કલાક કરતાં પણ ઓછા સમયમાં પહોંચી શકાય છે.
પાવાગઢ ટેકરી (Pavagadh Hill)
અમદાવાદથી 140 કિલોમીટર દૂર આવેલી પાવાગઢ ટેકરી સાહસિકો અને ધાર્મિક ભાવના ધરાવતા લોકો માટે એક આદર્શ સ્થળ છે. વાદળોની વચ્ચે રોમાંચક રોપ-વે રાઈડનો અહીં અનુભવ કરી શકાય છે. ટેકરીની ટોચ પર આવેલા ઐતિહાસિક કાલિકા માતા મંદિરમાં લાખો ભક્તો માતાજીના આશીર્વાદ મેળવવા આવે છે. આ ઉપરાંત, ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનની પણ મુલાકાત લઈ શકાય છે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે.
થોળ તળાવ (Thol Lake)
અમદાવાદથી અંદાજે 30 કિલોમીટર દૂર આવેલું થોળ તળાવ પક્ષી નિરીક્ષકો માટે સ્વર્ગ સમાન છે. ચોમાસામાં પાણીથી છલકાઈ જતું આ સરોવર અનેક યાયાવર પક્ષીઓને આકર્ષે છે. થોળ પક્ષી અભયારણ્યમાં પક્ષી નિરીક્ષણનો આનંદ માણી શકાય છે અને તળાવ પાસે શાંતિપૂર્ણ પિકનિકનો અનુભવ પણ લઈ શકાય છે. અમદાવાદથી થોળ તળાવ લગભગ એક કલાકની કાર સવારી દ્વારા પહોંચી શકાય છે.
નળસરોવર પક્ષી અભયારણ્ય (Nalsarovar Bird Sanctuary)
અમદાવાદથી લગભગ 65 કિલોમીટરના અંતરે આવેલું નળસરોવર પક્ષી અભયારણ્ય પક્ષી પ્રેમીઓ માટે બીજું એક મહત્વપૂર્ણ સ્થળ છે. ચોમાસાની ઋતુમાં અહીં પક્ષીઓની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. નળસરોવર તળાવ પર બોટ રાઈડનો આનંદ માણી શકાય છે અને વહેલી સવારે પક્ષી નિરીક્ષણ માટે આ સ્થળ શ્રેષ્ઠ છે.