Gujarat Gram Panchayat Elections 2025 Dates Announced: ગુજરાતમાં છેલ્લા અઢી વર્ષથી અટકેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની તારીખ આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર ખાતે જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલીકૃષ્ણએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, કુલ 8,326 ગ્રામ પંચાયતો માટે 22 જૂન, 2025ના રોજ મતદાન થશે અને 25 જૂન, 2025ના રોજ મતગણતરી હાથ ધરાશે. આ જાહેરાત સાથે જ આજથી આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.
આ ચૂંટણી કાર્યક્રમ મુજબ, ચૂંટણીનું જાહેરનામું 2 જૂન, 2025ના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 9 જૂન, 2025 રહેશે. મહત્વનું છે કે, મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ 27 મે, 2025ના રોજ જ કરવામાં આવી હતી.
કઈ પંચાયતોમાં થશે ચૂંટણી?
કુલ 8,326 પંચાયતોમાંથી 4,688 પંચાયતોમાં સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણી યોજાશે. જ્યારે 3,638 પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 4 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. જેમાં આગામી 30 જૂને વધુ 1,400 પંચાયતોની મુદ્દત પૂરી થઈ રહી છે.



EVM ને બદલે બેલેટ પેપરનો ઉપયોગ
પંચાયતની ચૂંટણીઓમાં EVM (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન) નો ઉપયોગ નહીં થાય. આ ચૂંટણીઓ બેલેટ પેપર દ્વારા યોજાશે.