Surat News: સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર ત્રણ વર્ષની એક બાળકી રમતા રમતા બે સિક્કા ગળી ગઈ હતી. જો કે, ત્વરિત સારવાર અને ડાયમંડ હોસ્પિટલના તબીબોની કુશળતાને કારણે બાળકીનો જીવ બચી ગયો છે.
મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા વિસ્તારની સાઈનાથ સોસાયટીમાં રહેતી માનવી સરજીત રાય નામની ત્રણ વર્ષની બાળકી ઘરે રમી રહી હતી ત્યારે અચાનક એક રૂપિયાનો અને બે રૂપિયાનો એમ બે સિક્કા ગળી ગઈ હતી. બાળકીને ગળામાં તીવ્ર દુખાવો થતાં અને ગળવામાં તકલીફ પડતાં તેના પરિવારજનો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
પ્રાથમિક તપાસ બાદ બાળકીને વધુ સારવાર માટે રાત્રે સાડા આઠ વાગ્યે સુરતની ડાયમંડ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવી હતી. અહીં એક્સ-રે રિપોર્ટમાં જાણવા મળ્યું કે બાળકીની અન્નનળીમાં બે સિક્કા ફસાઈ ગયા છે, જેના કારણે તેને ગળામાં સતત દુખાવો થઈ રહ્યો હતો અને તે કંઈ પણ ગળી શકતી નહોતી.
હોસ્પિટલના ડોક્ટરોએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક સારવાર શરૂ કરી. ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ, એનેસ્થેટીક અને ઓપરેશન થિયેટરના નિષ્ણાત સ્ટાફે તાત્કાલિક એન્ડોસ્કોપી કરવાનું નક્કી કર્યું. ડોક્ટરોની ટીમે અત્યંત કુશળતાથી માત્ર 20 મિનિટમાં એન્ડોસ્કોપી દ્વારા બાળકીની અન્નનળીમાંથી બંને ફસાયેલા સિક્કા સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા, જેના કારણે બાળકીને તાત્કાલિક રાહત મળી હતી.
બાળકીના માતા-પિતાએ જણાવ્યું કે, માનવી ઘરે રમતી વખતે અજાણતા જ સિક્કા ગળી ગઈ હતી. ત્યારબાદ તેઓ તેને અન્ય હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં એક્સ-રેમાં સિક્કા ફસાયા હોવાનું નિદાન થયું હતું, પરંતુ ત્યાં સારવારનો ખર્ચ વધારે જણાવવામાં આવ્યો હતો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે પરિવારે અંતે ડાયમંડ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો.
ડાયમંડ હોસ્પિટલમાં બાળકીને રાહત દરે સમયસર અને યોગ્ય સારવાર મળતાં તેનો જીવ બચી ગયો હતો. આજે બાળકીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતાં તેના પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી. બાળકીના પરિવારે ડાયમંડ હોસ્પિટલના ડોક્ટરો અને તમામ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.