Rajkot Rain: રાજકોટમાં ભરઉનાળે જળબંબાકાર! પોણા કલાકમાં દોઢ ઇંચ વરસાદથી રસ્તાઓ નદીમાં ફેરવાયા

Rain in Rajkot: રાજકોટમાં બુધવારે સાંજે અચાનક વાતાવરણ બદલાતાં ધોધમાર વરસાદ થયો હતો. પોણા કલાકમાં દોઢ ઇંચ વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જળબંબાકાર થયો.

Published By:

Updated:

Follow Us:

Rajkot Rain

Rajkot Rain News: રાજકોટમાં બુધવારે આકરી ગરમીનો અનુભવ કર્યા બાદ સાંજે અચાનક વાતાવરણ પલટાયું હતું અને જોતજોતામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.લગભગ પોણા કલાકના સમયગાળામાં જ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

આશ્ચર્યની વાત એ છે કે બપોરે અઢી વાગ્યે શહેરમાં ભેજનું પ્રમાણ માત્ર 33 ટકા હતું, જે સાંજે સાડા પાંચ વાગ્યે ઘટીને 29 ટકા નોંધાયું હતું. આમ છતાં, સૂકા અને ગરમ હવામાન વચ્ચે અચાનક ભારે વરસાદે લોકોને ચોંકાવી દીધા હતા. ફાયરબ્રિગેડના આંકડા અનુસાર, સેન્ટ્રલ ઝોનના ઢેબર રોડ પર 27 મિમી, વેસ્ટ ઝોનમાં નિર્મલા રોડ પર સૌથી વધુ 39 મિમી અને પૂર્વ ઝોનમાં 26 મિમી વરસાદ નોંધાયો છે.

વરસાદની તીવ્રતા એટલી હતી કે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરના નાગરિકોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલ અને રસ્તાના કામો કરવામાં આવતા હોવા છતાં, સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત રહેતા લોકો તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. રસ્તાઓનું યોગ્ય લેવલ ન હોવાના કારણે પાણી ભરાવવાની સમસ્યા વધુ ગંભીર બની છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં હજી ચોમાસાની શરૂઆત થવામાં એકાદ મહિનાનો સમય બાકી છે, ત્યારે આ કમોસમી વરસાદે ચિંતા વધારી દીધી છે. રાજકોટ ઉપરાંત, ગઈ સાંજે રાજકોટ જિલ્લાના જેતપુરમાં પોણો ઇંચ અને જૂનાગઢના વિસાવદરમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદની સાથે તીવ્ર પવન પણ ફૂંકાયો હતો. આ અણધાર્યા વરસાદે ખેડૂતોને પણ મુશ્કેલીમાં મૂકી દીધા છે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi