CBSE 12th Result 2025: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના ધોરણ 12ના પરિણામોમાં અમદાવાદની એક વિદ્યાર્થીનીએ અસાધારણ સફળતા મેળવી છે. અમદાવાદની ઈશાની દેબનાથે પરીક્ષામાં પૂરેપૂરા 500 માંથી 500 ગુણ પ્રાપ્ત કરીને ઇતિહાસ રચ્યો છે. આવી માર્કશીટ ભાગ્યે જ જોવા મળે છે, જેમાં વિદ્યાર્થીએ તમામ વિષયોમાં 100 ટકા ગુણ મેળવ્યા હોય.
અમદાવાદની DPS બોપલ સ્કૂલમાં અભ્યાસ કરતી ઈશાની દેબનાથે માનવશાસ્ત્રના પાંચેય મુખ્ય વિષયો – અંગ્રેજી કોર, ઇતિહાસ, રાજકીય વિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને મનોવિજ્ઞાનની લેખિત તેમજ પ્રેક્ટિકલ પરીક્ષાઓમાં 100 માંથી 100 ગુણ મેળવીને આ અવિશ્વસનીય સિદ્ધિ હાંસલ કરી છે.
આ અસાધારણ સફળતા વિશે વાત કરતાં ઈશાની દેબનાથે જણાવ્યું હતું કે, તેણે બોર્ડની પરીક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે શાળામાં જે શીખવવામાં આવતું હતું તેને ખૂબ જ સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે પોતાની તમામ ડાઉટ્સ સમયસર સોલ્વ કર્યા હતા, શિક્ષકો દ્વારા આપવામાં આવેલું હોમવર્ક નિયમિત રીતે પૂરું કર્યું અને પાછલા વર્ષોના પ્રશ્નપત્રોનું પણ ઉકેલન કર્યું.

ઈશાનીએ વધુમાં જણાવ્યું કે, હવે તે દેશની ટોચની કોલેજમાં એડમિશન મેળવીને મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવા માંગે છે. તેણે તેની આ ભવ્ય સફળતા માટે શાળાના આચાર્યની પ્રેરણા અને શિક્ષકોના અમૂલ્ય માર્ગદર્શનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. આ ઉપરાંત, તેના માતાપિતાએ પણ તેને હંમેશા તેના લક્ષ્યો પ્રત્યે દૃઢ રહેવા અને સખત મહેનત કરવા માટે પ્રેરિત કર્યા હતા.
ઈશાનીના પિતા શાંતનુ દેબનાથ એક કન્સલ્ટન્ટ છે અને તેમણે BE અને MBAનો અભ્યાસ કર્યો છે. તેમની માતા રાજેશ્વરી દેબનાથ ગૃહિણી છે અને તેમણે માસ્ટર ડિગ્રી મેળવી છે. ઈશાનીનો એક નાનો ભાઈ પણ એ જ DPS સ્કૂલમાં અભ્યાસ કરે છે.
જણાવી દઈએ કે, આ વર્ષે ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં 88.39 ટકા વિદ્યાર્થીઓ સફળ થયા છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો 92.96 ટકા રહ્યો છે.