Navya Naveli Nanda IIM Ahmedabad: બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી અને શ્વેતા બચ્ચનની દીકરી નવ્યા નવેલી નંદા હાલ અમદાવાદની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) માં અભ્યાસ કરી રહી છે. તાજેતરમાં, નવ્યાએ IIM કેમ્પસ અને પોતાના મિત્રો સાથે કેન્ટીનમાં આનંદ માણતી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે તેના ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ તસવીરો સાથે નવ્યાએ અમદાવાદને પોતાનું બીજું ઘર ગણાવ્યું છે.
નવ્યા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં IIM અમદાવાદના લીલોતરીથી ભરપૂર કેમ્પસની સુંદરતા અને તેના મિત્રો સાથેની મસ્તીભરી પળો જોવા મળી રહ્યા છે. આ પહેલાં પણ, જ્યારે નવ્યાએ IIM અમદાવાદના બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (BPGP) માં એડમિશન લીધું હતું, ત્યારે તેણે આ અંગેની ખુશી વ્યક્ત કરતી તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે, “સપનું સાકાર થયું!!!!!! આગામી 2 વર્ષ… શ્રેષ્ઠ લોકો અને શિક્ષકો સાથે રહીશ! બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (BPGP) 2026ની બેચ”. તે સમયે અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ તેને અભિનંદન પાઠવ્યા હતા.







નવ્યા માત્ર એક વિદ્યાર્થી જ નથી, પરંતુ તે “પ્રોજેક્ટ નવેલી” નામનું એક એનજીઓ પણ ચલાવે છે. આ સંસ્થા મહિલાઓના અધિકારો અને સ્વાસ્થ્ય માટે કામ કરે છે. આ ઉપરાંત, નવ્યા તેના પિતા નિખિલ નંદાના બિઝનેસમાં પણ મદદ કરે છે. તે “વોટ ધ હેલ નવ્યા” નામનો એક લોકપ્રિય પોડકાસ્ટ પણ ચલાવે છે, જેની બે સીઝન સફળ રહી છે. એટલું જ નહીં, નવ્યા “આરા હેલ્થ” નામની એક હેલ્થકેર પ્લેટફોર્મની સહ-સ્થાપક પણ છે, જે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને સુધારવા માટે કાર્યરત છે.
ફિલ્મી દુનિયાથી દૂર રહેતી નવ્યા નવેલી નંદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. યુટ્યૂબ પર તેનો એક શો પણ આવે છે, જેમાં તે અવારનવાર તેની નાની જયા બચ્ચન અને માતા શ્વેતા બચ્ચન સાથે વાત કરતી જોવા મળે છે. જો કે, હાલમાં તેનો ફિલ્મોમાં આવવાનો કોઈ ઇરાદો નથી.