Ahmedabad News: એકતરફી પ્રેમનો ભયાનક અંત, પાગલ પ્રેમીએ બાઇકની ચાવી મારી યુવકની હત્યા કરી

અમદાવાદના નિકોલમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકા સાથે જતા યુવકની નિર્દય હત્યા કરી. રવિવારે બનેલી આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી.

Published By:

Updated:

Follow Us:

Ahmedabad Crime News: અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તેની પ્રેમિકા સાથે જઈ રહેલા યુવકની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. રવિવારે બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, નિકોલમાં રહેતો ભાવેશ નામનો યુવક તેના પડોશમાં રહેતી અને સગાઈ થઈ ગયેલી એક યુવતીના એકતરફી પ્રેમમાં “પાગલ” થઈ ગયો હતો. રવિવારે બપોરે જ્યારે આ યુવતી સોસાયટીના અન્ય એક યુવકની બાઇક પર બેસીને ગામડે જઈ રહી હતી, ત્યારે પાછળથી બાઇક પર આવેલા ભાવેશે તેમને રસ્તામાં રોક્યા હતા.

આ દરમિયાન યુવતીને લઈ જઈ રહેલા હર્ષ નામના યુવક અને ભાવેશ વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા ભાવેશે હર્ષનો પીછો કર્યો અને તેને છાતીના નીચેના ભાગે પોતાની બાઇકની ચાવી મારી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા હર્ષનું ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં મોત નીપજ્યું હતું.

મૃતક યુવક હર્ષના પડોશીઓએ જણાવ્યું કે, ભાવેશ અવારનવાર યુવતીનો પીછો કરતો હતો. રવિવારે જ્યારે હર્ષ યુવતીને બાઇક પર લઈને જઈ રહ્યો હતો ત્યારે ભાવેશે જાણી જોઈને તેમનો પીછો કર્યો અને તેમની સાથે ઝઘડો કર્યો. ઝઘડો એટલો વધી ગયો કે ભાવેશે આવેશમાં આવીને હર્ષને બાઇકની ચાવી મારી દીધી.

ઘટના બાદ આસપાસના લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું, જ્યારે યુવતી અને આરોપી ભાવેશ બાઇક લઈને ભાગી ગયા હતા. બાદમાં એક પડોશી મહિલાએ હર્ષના પિતાને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. જ્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમનો દીકરો લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. ગંભીર હાલતમાં હર્ષને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ બનાવ અંગે નિકોલ પોલીસે તાત્કાલિક હત્યાનો ગુનો નોંધીને આરોપી ભાવેશની ધરપકડ કરી લીધી છે અને આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

દેશ-દુનિયા તેમજ ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે ગુજ્જુ ભૂમિના વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

Gujju Bhoomi