LPG Cylinder Price: આજે એટલે કે 1 મે, 2025થી દેશમાં ઘણા નિયમોમાં ફેરફાર થયો છે, અને તેલ કંપનીઓએ રાંધણ ગેસ (LPG)ના ભાવમાં પણ ફેરફાર કર્યો છે. આ ફેરફાર હેઠળ, 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે રેસ્ટોરાં, હોટલ અને અન્ય વ્યાપારી સંસ્થાઓ માટે સારા સમાચાર છે. જો કે, ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જાણો દિલ્હીથી મુંબઈ સુધીના મુખ્ય શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરના નવા ભાવ શું છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPGના ભાવમાં ફેરફાર કરે છે અને આ વખતે 1 મેના રોજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 17 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.
1 મેથી લાગુ નવા ભાવ
- દિલ્હી: ₹1762 થી ઘટીને ₹1747.50
- કોલકાતા: ₹1868.50 થી ઘટીને ₹1851.50
- મુંબઈ: ₹1713.50 થી ઘટીને ₹1699
- ચેન્નાઈ: ₹1921.50 થી ઘટીને ₹1906.50
સતત બીજા મહિને ઘટાડો
તેલ કંપનીઓએ સતત બીજા મહિને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. એપ્રિલ મહિનામાં સિલિન્ડરના ભાવમાં 41 રૂપિયાનો ઘટાડો થયો હતો, જેના કારણે દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 1762 રૂપિયા થઈ ગઈ હતી. આ પહેલા માર્ચની શરૂઆતમાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
કિંમત કેવી રીતે નક્કી કરવામાં આવે છે?
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) આંતરરાષ્ટ્રીય ઇંધણના ભાવ અને વિદેશી વિનિમય દરના આધારે દર મહિનાની પહેલી તારીખે LPG અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવમાં સુધારો કરે છે.