Gujarat Weather (આજનું હવામાન): રાજ્યમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી સપ્તાહ માટે આગાહી જાહેર કરી છે. જેમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હવામાન સૂકું રહેશે. જો કે, આજે 18 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટમાં હીટવેવની સંભાવનાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 19 અને 20 એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે, જેના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. પરંતુ ત્યારબાદ 19 અને 20 એપ્રિલના રોજ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. જો કે, 20 એપ્રિલ પછી ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.
હવામાન વિભાગે માછીમારોને પણ ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેત રહેવાની સૂચના આપી છે.
આગામી 7 દિવસની હવામાન આગાહી
- 18 એપ્રિલ: કચ્છ અને રાજકોટમાં હીટવેવની શક્યતા, યલો એલર્ટ. ઉડતો પવન ફૂંકાય તેવી સંભાવના છે.
- 19 એપ્રિલ: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરી ઉડવાની સંભાવના..
- 20 એપ્રિલ: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં 20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે ધૂળની ડમરી ઉડવાની સંભાવના.
- 21 એપ્રિલ: રાજ્યમાં હવામાન સામાન્ય રહેવાની શક્યતા.
- 22 થી 24 એપ્રિલ: ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહી શકે છે.