Gujarat Monsoon Forecast: ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થશે, હવામાન વિભાગનું ચોમાસાને લઈને સકારાત્મક અનુમાન

Gujarat Monsoon Forecast: રાજ્યમાં હાલ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે સારા સમાચાર આપ્યા છે.

Follow Us:

Gujarat Monsoon Forecast: રાજ્યમાં હાલ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની શક્યતા છે અને સામાન્યથી વધુ વરસાદ થવાનું અનુમાન છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વખતે ચોમાસાનો સારો વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. રાજ્યમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના છે. ગત વર્ષે પણ ગુજરાતમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં 48 ટકા વધુ નોંધાયો હતો અને આ વખતે પણ તેવી જ સ્થિતિ રહેવાની આશા છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલા આ વર્ષના ચોમાસાના પ્રથમ અનુમાનમાં પણ સમગ્ર ભારતમાં સરેરાશ કરતાં 105 ટકા વધુ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. IMDએ સ્પષ્ટ કર્યું છે કે, આ વર્ષે ચોમાસા દરમિયાન ભારતીય ઉપખંડમાં અલ નીનોની સ્થિતિ વિકસિત થવાની કોઈ શક્યતા નથી. ચાર મહિનાની ચોમાસાની ઋતુમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની ધારણા છે, જે ખેતી માટે અત્યંત લાભદાયક સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, હાલ દેશના ઘણા ભાગો તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે અને એપ્રિલથી જૂન દરમિયાન આ સ્થિતિ વધુ વણસી શકે છે, જેના કારણે વીજળી ગ્રીડ પર દબાણ અને પાણીની અછત જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો કે, હવામાન વિભાગનું આ સકારાત્મક અનુમાન ખેડૂતો માટે આશાનું કિરણ લઈને આવ્યું છે, કારણ કે સારા વરસાદથી ખેતીમાં નોંધપાત્ર મદદ મળશે.