Ambalal Patel Agahi: રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, આજથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આગામી 15 થી 18 તારીખ દરમિયાન રાજ્યમાં આકરી ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રીથી પણ ઉપર જવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના ભુજ સહિતના વિસ્તારોમાં 43 થી 44 ડિગ્રી, જ્યારે ઉત્તર ગુજરાત અને પંચમહાલમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. જૂનાગઢમાં 42 થી 43 ડિગ્રી અને દક્ષિણ ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ ઊંચું રહેશે.
જો કે, તેમણે આગાહીમાં વધુમાં જણાવ્યું છે કે 18મી એપ્રિલથી ગરમીમાં થોડો ઘટાડો જોવા મળશે અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રીની આસપાસ રહી શકે છે.
આ સાથે જ અંબાલાલ પટેલે 18 થી 25-26 તારીખ દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે દક્ષિણ અને પૂર્વ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને અન્ય ભાગોમાં વાતાવરણમાં બદલાવ આવી શકે છે અને હળવા છાંટા પડવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થઈ શકે છે.
આમ, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે, ત્યારબાદ હવામાનમાં પલટો આવવાની આગાહીથી લોકોને થોડી રાહત મળી શકે છે.