કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર ભયાનક દુર્ઘટના, અકસ્માત જોવા ઊભેલા ટોળા પર ટ્રક ફરી વળી; બેના કમકમાટીભર્યા મોત

Kodinar-Sutrapada Highway Accident: કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર કણજોતર ગામ નજીક સોમવારે ઈકો કાર અને બાઈકના અકસ્માતને જોવા એકઠા થયેલા ટોળાને ટ્રકે કચડ્યું, જેમાં બે લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં.

Follow Us:

Kodinar-Sutrapada Highway Accident

Kodinar-Sutrapada Highway Accident: કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર કણજોતર ગામ નજીક સોમવારે એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં ઈકો કાર અને બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતને જોવા માટે એકઠું થયેલું ટોળું પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકની અડફેટે આવી ગયું હતું, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સોમવારના રોજ કોડીનાર-સૂત્રાપાડા હાઈવે પર એક ઈકો કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતને જોવા માટે આસપાસના લોકોનું ટોળું ઘટનાસ્થળે એકઠું થયું હતું. ત્યારે જ હાઈવે પરથી બેફામ ગતિએ પસાર થઈ રહેલા એક ટ્રક ચાલકે અચાનક કાબૂ ગુમાવતા અકસ્માત નિહાળી રહેલા લોકોને કચડી નાખ્યા હતા.

આ ભયાનક દુર્ઘટનામાં સુભાષ પરમાર અને બાલુ કલોતરા નામના બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે સાતથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં જ સૂત્રાપાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી અને હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થાને કંટ્રોલ કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.