Paresh Goswami Agahi, Gujarat Weather: રાજ્યમાં થોડા દિવસ પહેલાં આવેલા કમોસમી વરસાદી ઝાપટાં બાદ ગરમીમાં થોડી રાહત મળી હતી, પરંતુ આ રાહત ટૂંકજીવી સાબિત થવાની છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે આગામી 15મી એપ્રિલથી રાજ્યમાં હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થશે અને અમુક વિસ્તારોમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી પણ વધી શકે છે.
પરેશ ગોસ્વામીએ વર્તમાન હવામાનની સ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે અને રાજસ્થાન ઉપર સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે ધીમે ધીમે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. આ પરિબળોના કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળ્યો છે. મધ્ય સ્તરે પવનની અસ્થિરતાના કારણે પવનની ઝડપમાં વધારો થયો છે, જેના પરિણામે છેલ્લા આઠ-દસ દિવસથી 41થી 44 ડિગ્રીની રેન્જમાં રહેલું ઊંચું તાપમાન ઘટ્યું છે અને અનેક જગ્યાએ માવઠાના ઝાપટાં પણ પડ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં પવનની ઝડપ 20થી 25 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ સુધી 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
જો કે, 15મી તારીખથી સ્થિતિ ફરી બદલાશે અને હીટવેવનો નવો રાઉન્ડ શરૂ થશે. પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આ હીટવેવનો રાઉન્ડ લાંબો ચાલશે અને તેમાં તાપમાન ગત રાઉન્ડ કરતાં પણ ઊંચું જઈ શકે છે. અગાઉ કેટલાક વિસ્તારોમાં તાપમાન 44.2 ડિગ્રી સુધી પહોંચ્યું હતું, પરંતુ આગામી રાઉન્ડમાં તાપમાન 45 ડિગ્રી સુધી જવાની શક્યતા છે.
હાલમાં પડી રહેલા છૂટાછવાયા માવઠા અંગે તેમણે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ વરસાદ ખેતી પાકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, ખાસ કરીને ઉનાળુ પાક અને કેરીના પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે.